અમેરિકાના ઈમિગ્રેશન નિર્ણય અંગે નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન

બુધવાર, 8 જુલાઈ 2020 (13:57 IST)
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અલગ અલગ કંપની અને સંસ્થાઓ તરફથી કોરોનાથી બચવા અને સંક્રમણને અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સેનેટાઈઝ કરવા માટે યાંત્રિક સાધનો અને મશીનરી ઉપયોગ વધ્યો છે. સોસાયટીના લોકો પણ આ બાબતે સચેત બન્યા છે.પંચાયત અને પાલિકા પણ સેનેટાઈઝ માટે પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. 
 
આજે હિંમાશુ એન્જિનિયરીંગ કંપની દ્વારા વિનામૂલ્યે સ્વર્ણિમ સંકુલ ખાતે એક ખાસ મશીન મુકવામાં આવ્યુ છે. આ મશીન ઓટોમેટિક તાપમાન સ્કેન કરે છે અને મશીનમાં પ્રવેશ કરતા જ સેનેટાઈઝ પણ થઈ જાય છે.  સેનેટાઈઝર મશીન 100 થી વધુ તાપમાન ધરાવતી વ્યક્તિના પ્રવેશવાની સાથે જ સાયરન વાગવા માંડશે. 45 ડિગ્રી તાપમાન સેનેટાઇઝર મશીનમાં મેઇન્ટેઇન કરાય છે. સાથે જ એર સ્પ્રેથી વ્યક્તિને સેનેટાઇઝ કરવાની વ્યવસ્થા પણ તેમાં છે. હાલ નવા સચિવાલય ખાતે મશીન કાર્યરત કરતા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ જણાવ્યુ હતુ કે સચિવાલય ખાતે રાજ્યભરમાંથી ધારાસભ્યો, આગેવાનો, જાહેર જનતા આવતા હોય છે. ત્યારે સૌની યોગ્ય કાળજી લેવાય તે માટે પ્રયાસ કર્યો છે.
 
કોરોના મહામારીમાં ગુજરાતમાં કેસ વધી રહ્યા છે ત્યારે માસ્ક પહેરવુ ખૂબ જરૂરી છે. ટીવી અને પ્રેસ માધ્યમથી કહેવા માંગુ છું કે ઘણા વેપારીઓ એવુ અર્થઘટન કરે છે કે અમારે શો રુમ કે દુકાનમાં માસ્ક ન પહેરવુ , બહાર જઈએ તો જ પહેરવુ પરંતુ  આ ખોટી માન્યતા છે. વેપારી પ્રવૃતિની કોઈ પણ જગ્યાએ પછી તે શો રૂમ હોય કે દુકાન વેપારીએ માસ્ક પહેરવુ પડશે. વેપારીઓ આ નિયમનુ પાલન નહી કરે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે.
 
આ દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં તેમણે અમેરિકાએ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આપેલા આંચકાજનક સમાચાર અંગે વાત કરતાં કહ્યું હતું કે રાજ્ય સરકારે સીધુ કરવાનુ કાઈ થતુ નથી. લાખો વિદ્યાર્થી અમેરીકામાં અભ્યાસ છે, નોકરી કરે છે. જે વિઝા રદ થયા છે તે નુકશાનકારક છે. અમેરિકાની નવી સ્ટુડન્ટ વિઝા પોલિસી અંગે રજૂઆત કરાશે. તેના માટે ભારત સરકાર ઉચ્ચકક્ષાએથી નિકાલ લાવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. ભારત સરકાર આવા બધા લોકોને સુરક્ષા મળે એવી વ્યવસ્થા કરે એવી આશા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર