સુરતના ઓલપાડમાં કોસમ ગામની વિદ્યાર્થિની અમી પટેલના રહસ્યમય મોતની ઘટનાથી ચકચાર મચી છે. સવારે માતા દ્વારા ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ અમી ઊઠી નહીં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાંથી ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમીને IPS બનવું હતું અને તેની તૈયારી કરી રહી હતી.
ઓલપાડ તાલુકાના કોસમ ગામની આશાસ્પદ વિદ્યાર્થિનીનું મોત થતાં ચકચાર મચી છે. ગત મોડી રાત સુધી યુવતી IPS બનવા માંગતી હોવાથી પરીક્ષાની તૈયારી કરતી હતી. મોડી રાત સુધી અભ્યાસ કર્યા બાદ વહેલી સવારે જ્યારે માતાએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ઊઠી ન હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લાવતા મૃત જાહેર કરાઈ હતી. સવારે જ્યારે તે ઊઠી નહીં ત્યારે માતા દ્વારા પ્રયાસ કર્યા બાદ પણ તેની આંખો ખૂલી ન હતી. તાત્કાલિક અસરથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઇ હતી પરંતુ ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી.સુરતની કેપી કોમર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી અમી પટેલનું મોત થયું છે. કોમર્સની વિદ્યાર્થિની છેલ્લા ઘણા સમયથી IPS અધિકારીનું બનવાનું સપનું જોતી હતી અને પરીક્ષાની તૈયારી પણ કરતી હતી. રાતે સૂતી વખતે તેણે માતાને કહ્યું હતું કે હું મોડી રાત સુધી અભ્યાસ કરવાની છું, તેથી સવારે મને વહેલાં ઉઠાડતાં નહીં. દીકરીના કહેવા મુજબ માતાએ પણ તેને વહેલી ન ઉઠાડતા થોડા સમય બાદ ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ઊઠી ન હતી. ત્યારબાદ મોત થઈ જતાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.સિવિલ હોસ્પિટલના ટ્રોમા ઇન્ચાર્જ ડોક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું કે ઓલપાડ તાલુકાના કોસમ ગામની વિદ્યાર્થિનીને અહીં લાવવામાં આવી હતી. અમી પટેલને જ્યારે અહીં લાવવામાં આવી હતી ત્યારે ડોક્ટરોએ તપાસ કરતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. શરીર ઉપર કોઈ ઈજાનાં નિશાન ન હતાં છતાં વહેલી સવારે માતાએ તેને ઉઠાડતાં તે ઊઠી ન હતી અને તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનો મોડી રાતે તે પરીક્ષાની તૈયારી કરતી હતી અને વહેલી સવારે ઉઠાડતા તે ઊઠી ન હોવાની વાત કરી છે. પહેલાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં યુવતીનું પીએમ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પીએમ રિપોર્ટ આવ્યા પછી યુવતીનાં મોતની સાચી હકીકત બહાર આવશે.