અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં COVID-19 દર્દીઓ માટે ધર્મ આધારિત વોર્ડ ઊભા કરાયાઃ રિપોર્ટ
ગુરુવાર, 16 એપ્રિલ 2020 (19:39 IST)
અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે કોવિડ-19ના દર્દીઓ માટે 1200 પથારીવાળી અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ આ કોવિડ-19 હૉસ્પિટલને ધર્મને આધારે વોર્ડમાં વહેંચણી કરવાની ચોંકાવનારી બાબત મીડિયા અહેવાલોમાં સામે આવી રહી છે. રિપોર્ટ મુજબ, અહીં હિન્દુ અને મુસ્લિમ દર્દીઓ માટે અલગ-અલગ વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ સાથે વાત કરતાં મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. ગુણવંત રાઠોડે જણાવ્યું કે હિન્દુ અને મુસ્લિમ કોરોનાના દર્દીઓ માટે અલગ-અલગ વોર્ડ સરકારના આદેશના આધારે ઊભા કરવામાં આવ્યા છે. પરંતુ અખબાર સાથેની વાતચીતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વાતનો રદિયો આપતાં કહ્યું કે આવી કોઈ બાબત તેમના ધ્યાનમાં નથી. ડૉ. રાઠોડે અખબાર સાથે વાત કરતાં જણાવ્યું કે, સામાન્ય રીતે સ્ત્રી અને પુરુષ માટે અલગ વોર્ડ ઊભા કરવામાં આવતા હોય છે. પરંતુ હિન્દુ અને મુસ્લિમ દર્દીઓ માટે વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો તેવો સવાલ પૂછાતાં તેમણે જણાવ્યું કે તમે આ સવાલ સરકારને પૂછો. નોંધનીય છે કે, હૉસ્પિટલ પ્રોટોકોલ મુજબ, કોવિડ-19ના પોઝિટિવ કેસના દર્દીઓને માત્ર લક્ષણો ધરાવતાં દર્દીઓ સાથે અલગ વોર્ડમાં રાખવામાં આવે છે. હૉસ્પિટલમાં દાખલ 186માંથી 150 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અખબારના સૂત્રો મુજબ, 150 પૈકી 40 દર્દીઓ મુસ્લિમ છે. નાયબ મુખ્યમંત્રીએ ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વોર્ડને ધર્મના આધારે અલગ ઊભા કરવા અંગે હું અજાણ છું. અમે આ બાબતે તપાસ કરાવીશું.અમદાવાદના કલેક્ટર કે.કે. નિરાલાએ જણાવ્યું કે તેમને પણ આવી કોઈ જાણ નથી. અમારા તરફથી આવી કોઈ સૂચના નથી આપવામાં આવી અને સરકારના આવા કોઈ નિર્ણય વિશે મને કોઈ જાણ નથી.