સુરતની ઘટનાને પગલે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ટ્યુશન ક્લાસીસ સામે ઝુંબેશ
શનિવાર, 25 મે 2019 (12:30 IST)
સુરતના તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં આગ લાગતા ચોથે માળેથી કૂદી પડેલા અને આગમાં લપેટાઈને મૃત્યુ પામેલા 19 વિદ્યાર્થીઓના કમકમાટી ભર્યા મોતના બનાવને પગલે વડોદરા શહેરના ખાનગી ટ્યૂશન ક્લાસીસની ફાયરસેફ્ટી તપાસવા ફાયર બ્રિગેડ દ્વારા આજે સવારથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વડોદરા ફાયર બ્રિગેડના 5 સ્ટેશન ઓફિસરના વડપણ હેઠળ પાંચ ટીમો દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં ચાલતા ટ્યુશન ક્લાસની તપાસ કરવામાં આવી રહી છે.
ફાયરની ટીમને જે ટ્યુશન ક્લાસમાં ફાયર સેફટીનો અભાવ દેખાય અને ક્લાસ ચાલુ હોય તો તેની સામે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જેને પગલે સ્ટેશન ઓફિસર એમ.એન મોઢ અને ટીમે ટેકનોલોજી ફેકલ્ટી પાછળ આવેલા ઇન્દુ ક્લાસમાં તપાસ કરતા બીજા માટે બારમા ધોરણના 100 જેટલા વિદ્યાર્થીઓ હાજર જણાયા હતા. ક્લાસમાં ફાયરસેફ્ટીની કોઇ સુવિધા નહીં હોય ફાયર બ્રિગેડ દ્વારા ક્લાસનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને બહાર કાઢી ક્લાસને સીલ કરી દેવામાં આવ્યો છે.