અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દર્શનનો ચાર્જ વસૂલવા મામલે વિવાદ શરૂ થયો છે. કેટલાક ભક્તજનોમા તો સ્પષ્ટ નારાજગી જોવા મળી રહી છે. આજે આ મામલે હિન્દુ સંગઠનો અને આસપાસના ગામના સરપંચોએ મંદિર પ્રશાસને લેખીત રજૂઆત કરી આ નિર્ણય પાછો ખેંચવા અપીલ કરી છે અને આમ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ભક્તોએ આ નિર્ણયથી નારાજગી દર્શાવી
ડાકોર મંદિર પ્રશાસન દ્વારા ભગવાનની નજીક જઈને દર્શન કરવા હોય તો અને મહિલાઓને જાળીમાંથી ભગવાનના દર્શન કરવા માટે ચાર્જ લેવાની જાહેરાત કરાઈ હતી અને આ મુજબ દર્શન પણ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. ગુરૂવારથી જ આ સેવા ચાલુ કરાઈ હતી. આ નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. મોટેભાગે ભક્તોએ આ નિર્ણયથી નારાજગી દર્શાવી હતી. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા 500 રૂપિયા અને 250 રૂપિયામાં કરાવવામાં આવતા દર્શન મામલે વિરોધના વંટોળના સૂરો ઉઠ્યા છે.
સરપંચ એસોસિએશનના સરપંચોએ રજૂઆત કરી
હિન્દુ સંગઠનના યુવાનો તથા ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશનના સરપંચો મંદિરમાં પહોંચી રજૂઆત કરી હતી. 'VIP દર્શન બંધ, કરો બંધ કરો અઢીસો પાંચસો બંધ કરો ના નારા લગાવ્યા હતા. આગેવાનોએ ભગવાન તો પ્રેમના ભૂખ્યા તમે પૈસાના ભૂખ્યા'ના નારા લગાવી આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ત્યાર બાદ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે, જો આજે સાંજે 6 વાગ્યા સુધી નિર્ણયમાં કોઈ ફેરફાર કે પાછો નહીં ખેંચે તો અમે સૌ લોકો ઉપવાસ આંદોલન કરીશું