કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીને મકાન માલિકે મકાન ખાલી કરવાની નોટીસ આપી હોવાના મેસેજ વાયરલ થયાં
મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (13:05 IST)
વોટ્સએપ પર સોમવારે સવારથી જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીને તેમના મકાનમાલિકે ઘર ખાલી કરવા નોટિસ પાઠવી હોવાના સંદેશો વહેતો કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે આ મેસેજને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જો કે, આ સંદેશાની સત્યતા ચકાસવામાં આવી ત્યારે મકાનમાલિકે સમગ્ર કારસ્તાન તેમની સાથે સંબંધ ન ધરાવતા પુત્રનું હોવાનું જણાવીને આખી ઘટના પર ઠંડુ પાણી રેડી દીધું હતું. વોટ્સ એપ પર સોમવારે સવારથી જ જુદા જુદા વોટ્સએપ ગ્રૂપમાં પુનિતા શર્માના નામે અંગ્રેજીમાં લખેલો મેસેજ વાઈરલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે થલતેજના નંદનવન બંગલોમાં રહેતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને મકાન ખાલી કરાવવા માટે નોટિસ આપી હોવાનું જણાવાયું હતું.
સીધી રીતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નહોતી, પરંતુ મકાન ખાલી કરાવવાની નોટિસ આપવાની ઘટના હોવાથી ટીવી ચેનલોના પ્રતિનિધિઓ નોટિસ આપનારા મકાનમાલિકાના ઘરે પહોંચીને સત્ય હકીકત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે મકાન માલિકે સ્પષ્ટતા કરી હતી કે, આવી કોઈ નોટિસ કે પત્ર તેમણે લખ્યો નથી, પરંતુ આ કારસ્તાન તેમના પુત્રનું છે અને તેમના પુત્ર સાથે કોઈ વ્યાવસાયિક સંબંધો નથી. અંતે રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલાં મકાનમાલિક અને કોંગ્રેસના નેતાને સંડોવવા કોઈએ જાણીજોઈને ગેરમાર્ગે દોરતા મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા હોવાનું પુરવાર થયું હતું. સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં બધા જ મેસેજ સાચા હોય છે તેવું માનનારા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે.