દુબઇમાં મુખ્યમંત્રીનો રોડ-શૉ: 'ગુજરાત યુએઈ માટે ભારતનું પ્રવેશ દ્વાર છે અને ભારત માટે યુએઈનું પ્રવેશ દ્વાર બનવા તૈયાર છે'
ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (09:09 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગના ત્રિવેણી સંગમથી ગુજરાત વિશ્વના મૂડીરોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. લોજિસ્ટિક્સની સુવિધાઓ, સક્રિય નીતિ નિર્માણ અને રોકાણકારો માટે સાનુકૂળ વાતવરણને પરિણામે ૨૦૨૧માં સમગ્ર ભારતમાં સૌથી વધારે વિદેશી રોકાણ એફ.ડી.આઇ. ગુજરાતે મેળવ્યું છે.
દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ અંતર્ગત દુબઇની દ્વિ-દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજીત રોડ-શૉ દરમ્યાન અગ્રણી ઉદ્યોગપતિઓનો સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી બુધવારે સવારે દુબઈ પહોંચ્યા હતા અને ગુજરાત પ્રતિનિધિ મંડળ સાથે તેમણે વર્લ્ડ એક્સ્પોની મુલાકાતથી દુબઈ પ્રવાસનો આરંભ કર્યો હતો.
ભૂપેન્દ્ર પટેલ સમગ્ર દિવસ દરમ્યાન યુ એ ઇ ના બે મંત્રીઓ તેમજ 8 જેટલા અગ્રણી ઉદ્યોગ રોકાણકારોને વન ટુ વન બેઠકમાં મળ્યા હતા. મુખ્યમંત્રી એ સાંજે ઓબેરોય હોટલમાં આયોજિત રોડ શો દરમ્યાન કહ્યું કે, ગુજરાત ભારતના સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ અને અર્બનાઇઝડ્ ઇકોનોમી ધરાવતા રાજ્યોમાંનું એક રાજ્ય છે અને સામાજિક-આર્થિક વિકાસના વિવિધ ક્ષેત્રોમાં નેશનલ લીડર બન્યું છે.
ધોલેરા SIR, ગિફ્ટ સીટી, વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્ક જેવા સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસ પર ગુજરાતે ભાર મૂક્યો છે. ભૂપેન્દ્ર પટેલે આ ત્રણેય પ્રોજેક્ટ્સની વિસ્તૃત છણાવટ કરી આવા ફયુચરિસ્ટિક પ્રોજેકટ્સના પાયામાં ગુજરાતને વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચરથી સજ્જ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન રહેલા છે.
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે વિકાસના રોલ મોડેલ સ્ટેટ તરીકે મેળવેલી આ પ્રતિષ્ઠાની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા યુ.એ.ઇ ના ઉદ્યોગ-વેપાર અગ્રણીઓને વાયબ્રન્ટ સમિટ-ર૦રરમાં સહભાગી થવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત અત્યારે કેટલાક નોંધપાત્ર સ્ટાર્ટ અપ્સનું કેન્દ્ર છે. ગુજરાતમાં ઇન્ક્યુબેશન કેન્દ્રો, આઇક્રિએટ વિગેરે દ્વારા એક એવી સફળ ઇકોસિસ્ટમ વિકસી છે જેમાં ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન મળે છે.
તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત-સેલ્ફ રિલાયન્ટ ભારત માટેનું આહવાન કર્યુ છે. ગુજરાત ઔદ્યોગિક, કૃષિ, સામાજીક, માળખાકીય એમ સર્વગ્રાહી વિકાસથી આત્મનિર્ભર બની આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરની થીમ પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત યુ.એ.ઈ. માટે ભારતનું પ્રવેશદ્વાર છે અને ભારતમાં યુએઈનું પ્રવેશદ્વાર બનવા માટે એકદમ તૈયાર છે. યુએઇમાં રહેતા ૩૫ લાખ ભારતીયો બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને તેમના વિકાસ માટે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે રહેતા ભારતીય સમુદાયોમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વિશ્વના કોઇપણ ખૂણે વસતા ગુજરાતીઓની પ્રગતિ અને જે-તે સ્થળના વિકાસમાં તેમના યોગદાનથી સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારત અને યુએઇનો સમૃદ્ધ ઇતિહાસ છે અને બન્નેના સંબંધો સદીઓ જૂના છે. આ સંબંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને હિઝ હાઇનેસ ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથેની તેમની મિત્રતાથી વધુ મજબૂત બન્યો છે. મુખ્યમંત્રીએ હિઝ હાઇનેસ ક્રાઉન પ્રિન્સે અબુધાબીમાં બીએપીસ (BAPS) મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્રનું નિર્માણ કરવા માટે જમીન દાનમાં આપી છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ પહેલ ભારત-યુ.એ.ઇ.ના મજબૂત સંબંધ અને મિત્રતાનું આગવું ઉદાહરણ છે.
મુખ્યમંત્રીએ આ રોડ-શૉ માં ઉપસ્થિત રહેલા દુબઇના અગ્રણી ઉદ્યોગ-રોકાણકારોને ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨માં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું તેમજ સૌને ગુજરાત સરકારના પૂરતા સહયોગની ખાતરી પણ આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને પ્રેરણાથી નિર્માણ પામેલી પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા પણ મુખ્યમંત્રીએ ઉપસ્થિતોને નિમંત્રણ આપ્યું હતું.
અગ્રણી ઉદ્યોગ-વેપારકારોએ ગુજરાત અને ભારતમાં પોતાના વ્યાપાર-કારોબારને મળી રહેલી સરળતા અને પ્રોત્સાહક અભિગમના અનુભવો વર્ણવ્યા હતા. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ વાયબ્રન્ટ સમિટ-ર૦રરની વિશેષતાઓ અને આત્મનિર્ભર ભારતની પ્રધાનમંત્રીની સંકલ્પનાને અનુરૂપ વાયબ્રન્ટના આયોજનની વિશેષ ભૂમિકા આપી હતી.
આસોચેમના નેશનલ પ્રેસિડેંટ વિનિત અગ્રવાલે સ્વાગત પ્રવચન અને ઇન્ડેક્ષ-બીના ચેરમેન નિલમ રાનીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રોડ શોમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, યુ. એ ઈ ખાતેના ભારતીય રાજદૂત તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગકારો જોડાયા હતા.