આણંદના તારાપુર ઇન્દ્રાજ નજીક વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 10 લોકોના દુખદ મોત થયા હતા. આ અકસ્માતના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક બુધવારે સવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરનો એક પરિવાર સુરતથી ઇકો કાર મારફતે સુરત જઇ રહ્યો હતો ત્યારે વહેલા પરોઢિયે આણંદ નજીકના તારાપુર ઇન્દ્રાજ નજીક અકસ્માત સર્જાયો હતો. તારાપુરથી 15 કિલોમીટર દૂર બગોદર પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર પરિવારના 10 લોકોના મોત નિપજ્યા હતા.
અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. અકસ્માત સર્જતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ મૃતકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ પરિવાર કોણ તે અંગે હજુ સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.