ચેમ્બરની ચૂંટણી: કોરોનાનો ચેપ લાગે તો જવાબદાર કોણ? સવાલો ઉઠ્યા
શુક્રવાર, 28 ઑગસ્ટ 2020 (18:08 IST)
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે ત્યારે પ્રગતિ પેનલે સિનિયર સભ્યો અને હોદ્દેદારો સાથે મીટિંગ કરી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. બીજી તરફ, એક ઉમેદવાર મેઘરાજ ડોડવાણીએ કોરોનાની મહામારી વચ્ચે બહારગામના ઉમેદવારો મતદાન કરવા આવી શકશે નહીં અને ઉંમરલાયક મતદારોને કોરોનાનું સંક્રમણ લાગવાની સંભાવના વ્યક્ત કરતી રજૂઆત ચેમ્બરના હોદ્દેદારો સમક્ષ કરી હતી. ચેમ્બરના તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા હોદ્દેદારોએ ચૂંટણી યોજવાનો નિર્ધાર કર્યો છે ત્યારે હવે ચૂંટણી રદ કરવા માટે પણ ચોક્કસ ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતના 90થી વધારે નગરોમાં ઉમેદવારો મતદાર છે. કોરોનાની મહામારી વચ્ચે ઉમેદવારો મતદાન કરવા આવશે કે કેમ? તેના આધારે ચૂંટણી પરિણામ નક્કી થાય તેમ છે. કેટલાક ઉમેદવારોએ મહામારી વચ્ચે ચૂંટણી રદ કરવા માટે વારંવાર રજૂઆતો કરી છે. મેઘરાજ ડોડવાણીએ જો મતદાર મતદાન કરવા આવે અને કોરોનાથી સંક્રમિત થાય તો તે માટે જવાબદાર કોણ? તેવો સવાલ ચેમ્બરના હોદ્દેદારો સમક્ષ ઊઠાવ્યો છે. ચેમ્બરના એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર પણ ઘણા ઉમેદવારોએ સભ્યો સુધી પહોંચાડ્યા હતા. તેથી કારણે મતદારોમાં ભય જોવા મળી રહ્યો છે. બીજી તરફ, પ્રગતિ ચેનલના ઉમેદવારોએ હોદ્દેદારો, જુદા જુદા સંગઠનના હોદ્દેદારો અને સિનિયર સભ્યો સાથે ગ્રૂપ મીટિંગ કરી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. પ્રગતિ પેનલના ઉમેદવાર પથિક પટવારીના જણાવ્યા મુજબ ગ્રૂપ મીટિંગ હેતુ સિનિયર સભ્યોનું માર્ગદર્શન મેળવવાનો હતો અને પેનલના તમામ સભ્યો એક વિચારોને આપ-લે થાય તથા ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ તકેદારી રાખીને કેવી રીતે પૂર્ણ કરવી તે અંગેની ચર્ચા પણ મીટિંગમાં કરવામાં આવી હતી.