ઊનામાં રામનવમીના દિવસે નફરતી ભાષણના કેસમાં ‘કાજલ હિંદુસ્તાની’ સામે ગુનો દાખલ, અન્ય 75ની અટકાયત
સોમવાર, 3 એપ્રિલ 2023 (10:13 IST)
ગુજરાતના ઊનામાં કથિત નફરતી ભાષણ અને રામનવમીના દિવસેયાત્રાના દિવસ પછી થયેલી જૂથ અથડામણના કેસમાં પોલીસે ગઈકાલે એક વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો અને 75 લોકોની અટકાયત કરી હતી.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે ગીર-સોમનાથના સુપ્રિટેન્ડન્ટ ઇન્ચાર્જ શ્રીપાલ શેસ્માએ કહ્યું, “ઊના પોલીસ સ્ટેશનમાં કાજલ હિંદુસ્તાની સામે બે ફરિયાદ દાખલ કરાઈ છે. જેણે કથિતરૂપે રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ કર્યાં હતા અને બે જૂથ વચ્ચો અથડામણ થઈ તેમાં કથિત સંડોવણી ધરવનારાઓની પણ અટકાયત કરાઈ છે. કાજલ હિંદુસ્તાની તેમના ઘરે નથી મળી શક્યા એટલે તેમની અટકાયત હજુ નથી થઈ શકી.”
ઊના પોલીસે કહ્યું કે, કાજલ શિંઘાળા ઉર્ફે કાજલ હિંદુસ્તાનીના ભડકાઉ ભાષણથી ઉશ્કેરાઇને રામનવમીની યાત્રા પછી એક જાહેર બેઠક થઈ હતી. પછી ઊનાના કુંભારવાડામાં બે જુથો વચ્ચે અથડામણ થઈ હતી.
કાજલ હિંદુસ્તાની પોતાને એક સામાજિક કાર્યકર્તા ગણાવે છે. અને પોલીસે આ કેસમાં વધુ કાર્યવાહી આરંભી છે.
વડોદરામાં નફરતી ભાષણના બનાવટી વીડિયો વાઇરલ કરનારાની ધરપકડ થવાની સાથે એક અલગ કેસમાં વિહિપના કાર્યકર્તાની પણ ધરપકડ કરવામાં આવી છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર વડોદરા પોલીસની એસઆઈટી (વિશેષ તપાસ ટીમ) રવિવારે એક વ્યક્તિની બનાવટી વીડિયો ફરતા કરવાના કેસમાં ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું કે વ્યક્તિ વિશ્વ હિંદુ પરિષદના નેતાઓના ભાષણો અને સોશિયલ મીડિયા પર રહેલી અન્ય રમખાણોની ક્લિપોના ફૂટેજ સાથે છેડછાડ કરી તેને ફરતી કરી હતી. રામનવમીની યાત્રા પછી થયેલી પથ્થરમારાની ઘટના બાદ વીડિયો ફરતા કરવામાં આવી રહ્યા હતા.
એટલું જ નહીં પણ એક અન્ય કેસમાં જેમાં પણ પથ્થરમારાની ઘટના પછી ભડકાઉ ભાષણ આપવાના કેસમાં કારેલીબાગમાં થયેલી પોલીસ ફરિયાદમાં વિહિપના એક કાર્યકર્તાની ધરપકડ થઈ છે.
ઇરફાન મોહમ્મદ વોરાની બનાવટી વીડિયોનકેસમાં ધરપકડ થઈ છે. અને ભડકાઉ ભાષણના કેસમાં રોહન શાહ તથા ઋષિ વાલિયાની ધરપકડ કરાઈ છે.