ગુજરાત સરકારે પ્રથમ વખત વિવિધ વિભાગોની બજેટ ફાળવણીમાં કાપ મુક્યો

સોમવાર, 27 જુલાઈ 2020 (14:49 IST)
કોરોના મહામારી અને લોકડાઉનને કારણે ગુજરાત સરકારે પ્રથમ વખત વિવિધ વિભાગોની બજેટ ફાળવણીમાં કાપ મુક્યો છે રાજ્યના જુદા-જુદા ખાતાની બજેટ ફાળવણીમાં 6,305 કરોડનો જંગી કાપ મુકવામાં આવ્યો છે. ગુજરાત સરકાર ની નાણાકીય સ્થિતિ અંગે ની ચર્ચા બાદ રાજ્યના વિકાસ ના કામોમાં બ્રેક લગાડવી પડે તેવી શક્યતા છે તે સંજોગોમાં રાજય સરકારે વિવિધ વિભાગો સાથે બજેટના કામો-ફાળવણી સહિતના મુદાઓ પર ચર્ચા કરી છે અને તેમાં ફાળવણી ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાના કારણે ટેક્સની આવક બંધ થઇ જતાં અને આરોગ્ય સહિતના ક્ષેત્રે ખર્ચમાં મોટો વધારો થયો છે, ત્યારે વિવિધ વિભાગની અંદાજપત્રીય માંગની સમીક્ષા કરીને શક્ય એટલો ખર્ચ ઘટાડવા સૂચના આપવામાં આવી હતી. સ્વૈચ્છિક રીતે જ બજેટ ખર્ચ ઘટાડવા સૂચના આપવામાં અવી હતી. તે અંતર્ગત બજેટ ફાળવણીમાં 6305 કરોડનો ઘટાડો કર્યો છે.સામાન્ય રીતે બજેટ ફાળવણીની સમીક્ષા ડિસેમ્બર મહીનામાં શરૂ થતી હોય છે અને ફેબ્રુઆરી સુધીમાં અંતિમ સ્વરૂપ અપાય છે. આ વર્ષે પ્રથમ વખત એવું બન્યું છે કે નાણાંકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં જ સમીક્ષા થઈ છે. સરકારની આવકમાં 15 ટકાનો ઘટાડો અંદાજવામાં આવી રહ્યો છે એટલે બજેટનું કદ પણ 8થી 10 ટકા નીચું આવી શકે છે.વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે ઉદભવેલી પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્યમાં આર્થિક, નાણાંકીય પૂનરુત્થાનના સર્વગ્રાહી ઉપાયો સુચવવા પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં રચેલી સમિતિએ વિવિધ ભલામણો કરી હતી.જેમાં મધ્યમ અને લાંબાગાળાના 231 જેટલા સૂચનો અહેવાલમાં રજૂ કર્યા છે. રાજ્ય સરકારે આ સૂચનો અને ભલામણોનો અભ્યાસ કરીને તે દિશામાં યોગ્ય કાર્ય કરશે તેમ જણાવ્યું હતું. આ કમિટિના વચગાળાના અહેવાલના આધારે રૂ. 14022 કરોડનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર