હવે કચ્છના BSF જવાનનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો
શનિવાર, 28 જાન્યુઆરી 2017 (15:28 IST)
બીએસએફમાં ફરજ બજાવતા તેજબહાદુર નામના જવાને ભોજનની ગુણવત્તા અંગે કરેલાં સવાલોની વિડિયો ક્લિપ સોશ્યલ મિડિયામાં વાયરલ થયા બાદ આખા દેશમાં ભારે ઉહાપોહ મચ્યો છે. ત્યાં ગુજરાતમાં બીએસએફમાં જ ફરજ બજાવતાં એક જવાને ગણતંત્ર દિવસે બીએસએફમાં ચાલતાં સરેઆમ ભ્રષ્ટાચાર અંગેનો સનસનીખેજ આરોપ મૂકતી વિડિયો ક્લિપ ફેસબુક પર પોસ્ટ કરતાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જવાન ગાંધીધામ ખાતે ફરજ બજાવે છે. બીએસએફના જવાને આક્ષેપ કર્યો છે કે બીએસએફમાં અંગ્રેજોના જમાના જેવી સરમુખત્યારશાહી પ્રવર્તી રહી છે. એકબાજુ દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાતો થઇ રહી છે, તો બીજીબાજુ બીએસએફના અધિકારીઓ જવાનોને મળતા શરાબનો ગેરકાયદે વેપલો કરે છે. જો કોઇ જવાન ફરિયાદ કરે તો તેની બદલી કરી દેવાય છે. નવરત્ન ચૌધરી નામના આ જવાને ગણતંત્ર દિવસે આ વિડિયો ક્લિપ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે. જેમાં તેણે આરોપ મૂકયો છે કે, બીએસએફમાં અંગ્રેજોના જમાના જેવી સરમુખત્યારશાહી પ્રવર્તી રહી છે. એકતરફ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાતો થાય છે બીજી તરફ બીએસએફના અધિકારીઓ જવાનોને મળતા શરાબનો ગેરકાયદે વેપલો કરે છે. જો કોઈ જવાન ફરિયાદ કરે તો તેની જ બદલી કરી દેવાય છે. બીએસએફમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આરોપ કરી ચૌધરીએ જણાવ્યું છે કે, બધા નીતિ નિયમો માત્ર જવાનો માટે જ બનાવાયાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 150મી બટાલિયનમાં કામ કરતો આ જવાન ગાંધીધામ ખાતે તૈનાત છે.
બીએસએફ અધિકારીઓ જવાનોના શરાબનું સામાન્ય પ્રજાને વેચાણ કરતા હોય તેવા પૂરાવા સાથેની એક વિડિયો ક્લિપ પણ તેણે પોસ્ટ કરી છે. તેની પોસ્ટ પર ગાંધીધામના દિનેશ મહેતા નામના એક બીએસએફ જવાને કોમેન્ટ કરી છે કે, ગાંધીધામ જ દરેક ભ્રષ્ટાચારનું હબ છે. અમારું યુનિટ 2013થી 2016 દરમિયાન ગાંધીધામમાં તૈનાત હતુ ત્યારે અમારા કમાન્ડન્ટ દારૂનું ખુલ્લેઆમ સિવિલિયનને વેચાણ કરતા હતા..આ અંગે મેં ફરિયાદ કરી તો મને 60 દિવસ સુધી કેદ કરી રાખવામાં આવ્યો હતો. તેજબહાદુરે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ બાદ જવાનોને સોશિયલ મીડિયામાં કોઇપણ પ્રકારની ફરિયાદ ન મુકવા સ્પષ્ટ સૂચના અપાઇ છે, પરંતુ લાગે છે કે, આ સૂચનાની જવાનો પર કોઇ અસર થઇ નથી