ગુજરાતમાં સૌરાષ્ટ્રની 54 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને AAPની નજર, હવે કેન્દ્રીય નેતાઓ અહીં પ્રચાર માટે ધામા નાંખશે

સોમવાર, 19 સપ્ટેમ્બર 2022 (08:49 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં વધારો થયો છે. ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ લોકો સુધી પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છે. હવે ગુજરાતમાં ભાજપ સામે આમ આદમી પાર્ટીનો માહોલ બન્યો છે.  બીજી તરફ ભાજપ સતત સ્ટ્રેટેજી બદલી વધુમાં વધુ ડબલ એન્જિન સરકારને પ્રમોટ કરી રહી છે.  ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય નેતાઓ માટે સૌરાષ્ટ્ર કેન્દ્ર બિંદુ છે. ભાજપ, કોંગ્રેસ અને AAPનું સૌરાષ્ટ્ર પર વધારેમાં વધારે ફોક્સ છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો છે જે દરેક પાર્ટી માટે સત્તામાં આવવા નિર્ણાયક ગણાય છે. જેને લઈને રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રવાસને મહત્વ આપી રહ્યા છે.

મંગળવારે ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા રાજકોટ આવશે. તો બીજી તરફ આગામી સપ્તાહે જૂનાગઢમાં AAPનું વિશાળ મહિલા સંમેલન યોજાશે જેમાં AAP નેતા અરવિંદ કેજરીવાલ ચૂંટણીનું રણશિંગુ ફુંકશે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાના બીજા તબક્કામાં સૌરાષ્ટ્ર અગ્રસ્થાને છે. 2017માં સૌરાષ્ટ્રની બેઠકોમાં ભાજપને વધુ ફટકો પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં ફરી સેંધ પાડવા માટે કોંગ્રેસ અને AAP સોગઠાં ગોઠવી રહ્યા છે.  વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી. ચૂંટણી પહેલા નવરાત્રી અને દિવાળીના આગામી કાર્યક્રમ નક્કી કરાયા હતા. ભારત જોડો યાત્રા અંતર્ગત દરેક તાલુક દિઠ 75 બાઇક રેલીનુ આયોજન કરવા આહ્વાન કરાયું હતુ. તેમજ આગામી ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી રોડ શો કરશે. તે પહેલા ગામે ગામ જઇ તૈયારીઓ શરૂ કરવા સુચનાઓ અપાઇ હતી. આ ઉપરાત કોંગ્રેસ નવરાત્રી સમયે શક્તિ વંદના કાર્યક્રમ કરશે.તો બીજી તરફ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ એક દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. જ્યારે પીએમ મોદી પાંચ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આમ કુલ 5 દિવસમાં પીએમ મોદી અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભા ગજવવાના છે. વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરે મોડાસાના પ્રવાસે આવશે. જ્યારે 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચ તો 11 ઓક્ટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે PM મોદી આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર