કોંગ્રેસ રાજકીય રોટલાં શેકવા જ્ઞાતિઓને સામ-સામે ઉશ્કેરવાનું કામ કરે છે: ભરત પંડયા

બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (11:58 IST)
છેલ્લા કેટલાક સમયથી LRD મુદ્દે લોકલાગણી અને કાયદાકીય ગુંચના સંદર્ભમાં જે પ્રશ્ન હતો તેનો મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રીઓની ઉપસ્થિતિમાં તમામ સમાજના આગેવાનો સાથે સંવાદ-સમન્વયથી આવેલ સુખદ ઉકેલને ભાજપ વતી હું આવકારું છું. સૌનો સાથ-સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે કામ કરતી ભાજપ સરકારે કોઈપણ પ્રશ્નને ઉકેલવા પ્રમાણિક અને સંવેદનશીલ પ્રયાસ કરે છે તેની અનૂભુતિ દરેક વર્ગ અને ક્ષેત્રને થાય છે. આશા છે કે, તા.01-08-2018ના પરીપત્રમાં સુધારાના નિર્ણયથી SC,ST & OBC સમાજની લોકલાગણી સંતોષાશે અને દિકરીઓને ન્યાય મળશે. ગુણવત્તાના આધાર ઉપર કોઈપણ સમાજના ઉમેદવાર બહેન-દિકરીને અન્યાય ન થાય તે માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે. 
 
ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાતને હવે, જાતિવાદના વેરઝેર પાલવે તેવા નથી. ગુજરાતની ઓળખ શાંતિ-એકતા અને વિકાસની છે. ત્યારે ગુજરાતની આ ઓળખને આપણે સહુ જાળવી રાખીએ. એકબીજા સાથે પ્રેમ રાખીશું તો સહુની પ્રગતિ થશે.
 
ઘાત નડે છે, ને આઘાત નડે છે. રોજ પડે ને, દરેકને નાત નડે છે.
તબક્કે તબક્કે  કોઈ તફાવત નડે છે.
ચાલો, આપણે સ્નેહ-સંપથી સમજી લઈએ. આપણને જે કોઈ વાત નડે છે.
 
ગુજરાતને કોઈની નજર ન લાગે અને ગુજરાતને કોઈ બદનામ ન કરે તે માટે કોઈપણ સમસ્યાને સ્નેહ, સમજણ અને સંપથી સમાધાન કરવું પડશે. કોંગ્રેસની બે મોઢાની અને વેરઝેરની નીતિની ઝાટકણી કાઢતાં ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ જ્ઞાતિઓને સામ-સામે ઉશ્કેરવાનું કામ કરે છે. જે બે પક્ષકારો હોય તે બન્નેમાં વેરઝેર ફેલાવીને પોતાના રાજકીય રોટલાં શેકવા પ્રયાસો કરે છે. અગાઉ પણ એક સમાજને OBCમાં અનામત આપવાનું કહ્યું હતું અને બીજીબાજૂ ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટ ના પાડી હતી. 
 
OBC બંધારણીય બીલનો પણ કોંગ્રેસે સંસદમાં પહેલાં સખ્ત વિરોધ કર્યો હતો પરંતુ ભાજપે OBC બીલને પસાર કરાવીને OBC સમાજને બંધારણીય દરજ્જો આપવાનું કામ કર્યું છે. ભાજપે SC, ST &  OBC અનામત જાળવી રાખીને અન્ય બિનઅનામત સમાજને 10% EBC (આર્થિક પછાત અનામત) આપ્યું ત્યારે પણ કોંગ્રેસે વિરોધ કરીને 20%ની માંગણી કરી હતી. હજુ પણ કોંગ્રેસ શાસિત એકપણ રાજ્યોમાં 1% EBC  જાહેર કરતી નથી.
 
જયારે ભાજપે દેશમાં સૌ પ્રથમ 10% EBC અને બિનઅનામત આયોગ, બિનઅનામત આર્થિક નિગમની રચના ગુજરાતમાં કરી હતી. દરેક મુદ્દે કે ઘટનામાં કોંગ્રેસ હંમેશા બે મોઢાની વાત કરે છે. કોંગ્રેસના માત્ર ઉશ્કેરાટ અને વેરઝેર ફેલાવવાના ષડયંત્રોના વિકૃત સ્વરૂપને ગુજરાતની જનતા ઓળખી ગઈ છે. મહેરબાની કરીને કોંગ્રેસ ગુજરાતની શાંતિમાં જાતિવાદની ભયંકર આગને લગાડવાનું અને ફેલાવવાનું બંધ કરે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર