ભાજપે આક્ષેપ કર્યો, CBIનો દુરૂપયોગ કરી કોંગ્રેસ સરકારે અમિત શાહને જેલમાં નાંખ્યા હતાં, કોંગ્રેસ કહ્યું, અમે નહીં ગુજરાતની ભાજપ સરકારની પોલીસે નાંખ્યા હતા
સહકારી ક્ષેત્રના પ્રશ્ન મુદ્દે વિધાનસભાગૃહમાં બુધવારે બંને પક્ષે હોબાળો મચ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ અમિત શાહના નામનો ઉલ્લેખ કરીને તડીપાર હાય-હાયના નારા ગૃહમાં લગાવ્યા હતાં. કોંગ્રેસના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા એ રાજ્યની સહકારી ક્ષેત્રની મંડળીઓની સહાય વધારવા અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો અને નિવેદન કર્યું હતું કે વડાપ્રધાન મોદીના ક્રાંતિકારી આ નિર્ણયથી હવે ઇન્કમટેક્સનો દુરુપયોગ કરીને લોકોને ડરાવવા ધમકાવવા માટે આ ઉપયોગ થશે.
બીજી તરફ આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે ઊભા થયેલા રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલે નિવેદન કર્યું હતું કે ભૂતકાળમાં કેન્દ્રની કોંગ્રેસ સરકારે મોદીને ભીંસમાં લીધા હતા. એટલું જ નહીં, સીબીઆઈનો દુરુપયોગ કરીને અમિત શાહને જેલમાં નાખ્યા હતા.
જોકે ભાજપના મંત્રી જગદીશ પંચાલના આ જવાબથી કોંગ્રેસના સભ્યોએ વિરોધ ઉઠાવ્યો હતો અને ગૃહમાં હંગામો શરૂ કર્યો હતો. આ દરમિયાન ઉપનેતા શૈલેષ પરમારે સ્પષ્ટતા કરી હતી કે તમારા ભાજપના મંત્રી વિધાનસભા ગૃહ અને રેકોર્ડ ઉપર ખોટી વિગતો અને માહિતી આપે છે. ખરેખર તો જે સી બી આઈની વાત કરો છો ત્યારે તે સમયે અમિત શાહને જેલમાં નાખનારી ગુજરાતની ભાજપ સરકારની પોલીસ જ હતી અને તમારી સરકારની પોલીસે તેમને પણ એન્કાઉન્ટર કેસમાં પકડીને જેલમાં નાખ્યા છે.આવું નિવેદન કરતાં ગૃહમાં ફરીથી હંગામો થયો હતો.
વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન અધવચ્ચેથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ હાજરી આપવા આવ્યા હતા. જોકે આ સમયે સામે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ચાલુ ચર્ચામાં એવી બૂમ મારી કે આવો આવો ભાવિ મુખ્યમંત્રી શ્રી આવો તેવું નિવેદન કરતાં ભાજપના સભ્યો પણ ખીલ ખીલાટ હસી પડ્યા હતા જ્યારે નીતિનભાઈ પટેલ અને વિજય રૂપાણી પણ પ્રતાપ દુધાતની કોમેન્ટ અને ટોન થી આકર્ષિત થયા હતા અને ગૃહમાં જ તમામ ધારાસભ્યો હસી પડ્યા હતા