૬ એપ્રિલે ભાજપનો ૩૮મો સ્થાપના દિવસ ઉજવાશે, કાર્યકરો ટીફિન બેઠક યોજશે

સોમવાર, 3 એપ્રિલ 2017 (12:42 IST)
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી નવેમ્બર માસમાં યોજાશે તેવા સંકેત ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ દ્વારા આપવામાં આવ્યા હતા. જોકે, ભાજપમાં જે પ્રકારે પૂર્વતૈયારીનો ધમધમાટ શરૃ થઇ ગયો છે એ જોતાં વહેલી ચૂંટણીની સંભાવના પર સાવ પૂર્ણવિરામ પણ મૂકી શકાય તેમ નથી. ભાજપ સંગઠન દ્વારા આગામી બે સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરી વિધાનસભાની ચૂંટણીની પૂર્વતૈયારી માટે 'શ્રી ગણેશ' કરી દેશે. 

આગામી ૯ એપ્રિલે ભાજપ દ્વારા દરેક શક્તિકેન્દ્રો પર કાર્યકર્તા સંમેલન યોજવામાં આવશે. તદુપરાંત વોર્ડ સમરસતા ટીફિન બેઠક પણ યોજાશે. આ અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે '૯ એપ્રિલે દરેક શક્તિકેન્દ્રો પર કાર્યકર્તા સંમેલન યોજવામાં આવશે. આ સંમેલનમાં પક્ષની વિચારધારાની સાથે-સાથે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ, પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં થયેલા ભવ્ય વિજયની ચર્ચા કરાશે. 


આ ઉપરાંત ભીમ એપનો પ્રચાર-ઉપયોગીતા અંગે માર્ગદર્શન, જી.એસ.ટી. બિલ અંગે વિસ્તૃત માહિતી , સ્વચ્છતા ઝૂંબેશની જાગૃતિ તેમજ વિવિધ સરકારી યોજનાની માહિતી લોકોને અપાશે. ૧૪ એપ્રિલે વોર્ડ સમરસતા ટીફિન બેઠક યોજાશે. ૬ એપ્રિલે ભાજપના ૩૮મા સ્થાપના દિન અને ૧૪ એપ્રિલે ડો. ભીમરાવ આંબેડકરની જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૬ એપ્રિલે પંડિત દિનદયાળજીના જીવન ચરિત્ર અંગે માહિતી આપશે. 

કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિકાસના કાર્યો તેમજ પ્રજા કલ્યાણની યોજના અંગેની પત્રિકાઓનું ઘરદીઠ વિતરણ કરાશે. ૧૪ એપ્રિલે સંગઠનના તમામ ઉમેદવારો દલિત સમાજ દ્વારા થતા કાર્યક્રમમાં હાજર રહીને સમરસતાનું વાતાવરણ સર્જશે. શંકરસિંહ વાઘેલા ભાજપમાં આવે છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ભરત પંડયાએ જણાવ્યું કે 'બાપુ ભાજપમાં આવે છે કે નહીં તે ખબર નથી પણ કોંગ્રેસ ક્યારેય ગુજરાતમાં આવવાની નથી તે નિશ્ચિત છે.

વેબદુનિયા પર વાંચો