ગરમીનો પ્રકોપથી પક્ષીઓના હાલ બેહાલઃ પક્ષીઓ મુર્છીત થવાના બનાવો વધ્યા

ગુરુવાર, 12 મે 2022 (14:21 IST)
ઉનાળાની કાળઝાળ ગરમીથી ચરોતર શેકાયુ રહ્યું છે. ત્યારે માણસ તો માણસ અબોલ પશુ પક્ષીઓના હાલ પણ બેહાલ બન્યા છે. અસહ્ય ગરમી વધતાં જ માનવી તો ગમે ત્યાં ઠંડકનો સહારો મેળવી લે છે. પરંતુ અબોલ પશુ પક્ષીઓ ક્યાં જાય? છેલ્લા કેટલાય દિવસોથી નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં તાપમાનનો પારો 43 ડી.સે.એ પાર ગયો છે. આવી સ્થિતિમાં અબોલ પક્ષીઓ મુર્છિત થવાના બનાવોમાં સતત વધારો થયો છે.

સમગ્ર ચરોતર પંથક આગના અગનગોળામાં લપેટાયું છે. ચામડી દઝાડે તેઓ આકરો તાપ પડતા લોકોના હાલ બેહાલ થયા છે. એસી, કુલર તથા પંખાનો ઉપયોગ કરી મનુષ્ય ઠંડક મેળવી આ તાપ સામે રક્ષણ મેળવે છે. પરંતુ આકાશમાં ગગન વિહાર કરતા અને સુરજદાદાના ખોળે ‌કલબલ કરતા પક્ષીઓ આવા આકરા તાપના કારણે ક્યાં જાય? , એક બાજુ દિન-પ્રતિદિન વૃક્ષો કપાતા જઈ રહ્યા છે તો બીજી બાજુ સિમેન્ટ કોંક્રિટના જંગલો પણ વધી રહ્યા છે. જેથી પક્ષીઓ નો આશરો છીનવાઇ ગયો છે જેના કારણે પક્ષીઓ હાલ ઘરના દીવાલની બખોલમાં તો ક્યાંક પતરાના શેડ નીચે માળો બનાવી રહે છે. આકરા તાપના કારણે પક્ષીઓના હાલ બેહાલ થયા છે. અને તેના કારણે પક્ષીઓ મૂર્છિત થવાના એટલે કે બેભાન થવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.રવિવારે વહેલી સવારે નડિયાદમાં જૂની મિલ કમ્પાઉન્ડમાં લીમડાના ઝાડ નીચે એક સમળી મૂર્છિત અવસ્થામાં ઝાડ નીચેથી પડી ગયેલી હાલતમાં પક્ષીપ્રેમીને મળી હતી. આ પક્ષી પ્રેમીએ તુરંત ફોરેસ્ટ વિભાગની મદદ મેળવી મૂર્છિત થયેલા પક્ષીને સારવાર કરાવી હતી. પક્ષી બીમાર હોવાથી આકસ્મિક રીતે જમીન પર પડી ગયેલ હોવાનું અને મૂર્છિત થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. ગરમીના કારણે આમ થયું હોવાનું પક્ષી પ્રેમીઓએ જણાવ્યું છે.પક્ષીપ્રેમી મુકેશ પટેલ જણાવે છે કે હાલ ઉનાળાની સિઝનમાં આકરો તાપ પડી રહ્યો છે. પોતાના સંતાનને જે રીતે તમે સાચો છો તે રીતે જ કુદરતના આ સંતાનને સાચવવા આપણો સૌની ફરજ છે. હાલ આકરો તાપ છે ત્યારે પોતાના ઘરઆંગણે એટલે કે બાલ્કની કે ઘરના ટેરેસ પર સ્ટીલ તથા માટીના પદાર્થમાં પાણી ભરી પક્ષીઓ માટે રાખો. તો વળી પશુઓ માટે પણ આજના સમયમાં પાણીના હોઝ ઓછા થઈ રહ્યા છે તેથી નગરમાં આવા પાણીના હોજ રાખી પશુઓને પાણીની તરસ છીપાવવા અપીલ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર