ભૂપેન્દ્ર પટેલ સરકારની આજે છેલ્લી કેબિનેટ મીટિંગ મળશે, ખેડૂતોને લઈ સહાય જાહેર થઈ શકે

મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (15:17 IST)
ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક મળવાની છે. આ છેલ્લી કેબિનેટ બેઠક હોવાથી તેમાં નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવી શકે છે. જેમાં ખાસ કરીને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન સામે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે. જ્યારે આ ઉપરાંત અન્ય પણ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો આ કેબિનેટ બેઠકમાં લેવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી એકદમ નજીક આવી રહી છે. આ પહેલા આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કેબિનેટની છેલ્લી બેઠક યોજાશે. આજની બેઠકમાં અતિવૃષ્ટિથી પાક નુકસાન સામે ખેડૂતોને સહાય પેકેજ સહિત, સરકાર ભરતીથી શરૂ કરીને નાગરિકોને સ્પર્શતા નિર્ણયો જાહેર થાય તેવી શક્યતા છે. સામાન્ય વહીવટી વિભાગ, GEDA, ઈ-સરકાર, આદિજાતી, અનુસૂચિત જાતિના પ્રમાણપત્રો, વિદ્યાર્થીઓની સ્કોલરશીપ, તેમજ અલગ અલગ યોજના અંતર્ગત લાભાર્થીઓ અંગે પ્રેજન્ટેશન કરવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતમાં દિવાળી બાદ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાના કારણે મોટા નિર્ણયો લઈ શકાય નહીં, એવામાં સરકાર દ્વારા આજે કેટલાક મોટા નિર્ણયની જાહેરાત કરવામાં આવી શકે છે. આ પહેલા ગઈકાલે જ રાજ્ય સરકારે CNG-PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો કર્યો હતો. આ સાથે જ ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને વર્ષમાં 2 સિલિન્ડર મફત આપવાની પણ જાહેરાત કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર