ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 'ભારત બંધ'ની અસર, કયા વિસ્તારો વધુ પ્રભાવિત રહ્યા?

બુધવાર, 21 ઑગસ્ટ 2024 (15:25 IST)
રિઝર્વેશન બચાવો સંઘર્ષ સમિતિ’એ આજે 21 ઑગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે.
 
સુપ્રીમ કોર્ટે એસસી-એસટી અનામત અંગે આપેલા સબ-કૅટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં આ બંધનું એલાન અપાયું છે. જેના કારણે દેશભરમાં વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે.
 
અનેક રાજ્યોના એસસી-એસટી સમૂહોએ આ બંધને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આ એલાનને અનેક રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોનું પણ સમર્થન મળશે એવી અપેક્ષા છે.
 
સમિતિનું કહેવું છે કે આ બંધનું એલાન આપવાનો ઉદ્દેશ્ય સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનો વિરોધ કરવાનો છે અને કૉર્ટ આ ચુકાદો પાછો ખેંચે એવી માગણી કરવાનો છે.
 
ગુજરાત સહિત બિહાર, ઝારખંડ, રાજસ્થાન જેવા વિસ્તારોમાં દલિત સંગઠનો અને લોકોએ વ્યાપક વિરોધપ્રદર્શનો કરીને બંધને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
 
ગુજરાત સહિત દેશભરમાં ‘ભારત બંધ’ની અસર
ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ‘ભારત બંધ’ના એલાનની વ્યાપક અસર જોવા મળી રહી છે.
 
બીબીસી સહયોગી સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર, બોટાદમાં 'દલિત અધિકાર મંચ'ના યુવાનોએ મોટી સંખ્યામાં રસ્તા પર આવીને સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમણે વેપારીઓને પણ ધંધા-રોજગાર બંધ રાખવાની અપીલ કરતાં તેની પણ અસર જોવા મળી હતી.
બીબીસી સહયોગી બિપિન ટંકારિયાએ આપેલી માહિતી અનુસાર રાજકોટમાં અનુસૂચિત જાતિના લોકોએ વિશાળ રેલી કાઢી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
 
રાજકોટથી દલિત આગેવાન ડી.ડી. સોલંકીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું, “સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ દ્વારા કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદન આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી અનુસૂચિત જાતિ અને જનજાતિઓમાં ભાગલા પડી શકે છે. આ ચુકાદો ગેરબંધારણીય છે અને તેના વિરોધમાં અમે આજે રેલી કાઢીને અમારો વિરોધ નોંધાવ્યો છે.”
 
રાજકોટ નજીક આવેલા ધોરાજીનાં મુખ્ય બજારો અને શાકમાર્કેટ પણ સદંતર બંધ રહ્યા હતા. જેની પુષ્ટિ બીબીસી સહયોગી બિપિન ટંકારિયાએ કરી છે.
 
અમદાવાદના ચાંદખેડા, અમરાઈવાડી અને નરોડા જેવા વિસ્તારોમાં પણ દલિત સંગઠનોએ રેલી કાઢી સભાનું આયોજન કર્યું હતું અને આ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
બિહાર અને ઝારખંડમાં આ બંધની વ્યાપક અસર જોવા મળી છે. ઝારખંડમાં બસ સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. બિહારના આરામાં લોકો રેલવે-ટ્રેક પર પ્રદર્શન કરતાં જોવા મળ્યા હતા. પ્રદર્શનકારીઓએ બિહાર સંપર્ક ઍક્સપ્રેસને દરભંગામાં રોકી દીધી છે. બિહારમાં મુખ્ય વિપક્ષી દળ રાષ્ટ્રીય જનતા દળે બંધના એલાનનું સમર્થન કર્યું છે.
 
રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં શિક્ષણ સંસ્થાઓ અને કોચિંગ સંસ્થાઓ બંધ રાખવાના કલેક્ટરે જ આદેશ જાહેર કર્યા છે.
 
જૈસલમેર, ભરતપુર અને ઉદયપુરમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ રહેશે.
સુપ્રીમ કોર્ટના ક્યા ચુકાદાનો વિરોધ થઈ રહ્યો છે?
ભારત બંધનું એલાન, એસસી-એસટી સબ ક્લાસિફિકેશન, અનામત વ્યવસ્થા, સુપ્રીમ કોર્ટ, બીબીસી ગુજરાતીઇમેજ સ્રોત,GETTY IMAGES
સુપ્રીમ કોર્ટના છ ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની યાદીમાં રાજ્ય સરકાર માત્ર પેટા-વર્ગીકરણ કરી શકે છે અને કેટલીક બેઠકો એક અનુસૂચિત જાતિ કે જનજાતિ માટે અંકિત કરી શકે છે.
 
કોર્ટનું માનવું હતું કે અનુસૂચિત જાતિ અને જનજાતિ એકસમાન નથી. કેટલીક જાતિઓ અન્યોથી વધારે પછાત છે.
 
વડા ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડે કેટલાંક સંશોધનનાં ઉદાહરણ આપ્યાં હતાં.
 
સમાજશાસ્ત્રી એ. એમ. શાહે પોતાના એક પુસ્તકમાં લખ્યું હતું કે ગરોડા જેવી કેટલીક અનુસૂચિત જાતિઓને દલિતોમાં પૂજારી જેવી માનવામાં આવે છે. તેમનું અસ્તિત્વ કેટલીક અનુસૂચિત જાતિઓમાં ઉપર ગણવામાં આવે છે.
 
ચંદ્રચૂડે લખ્યું હતું કે ગુજરાતમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે કેટલીક અનુસૂચિત જાતિઓમાં અસ્પૃશ્યતા પાળવામાં આવે છે. તેઓ એકમેક દ્વારા તૈયાર કરાયેલાં ખોરાક કે પાણી લેતા નથી. અમુક આદિવાસીઓને દલિત મંદિરોમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો.
 
તેમણે લખ્યું હતું કે આંધ્ર પ્રદેશમાં વણાટનું કામ કરતી માલા જાતિ અને ચામડાનું કામ કરતી મઢિગા જાતિ બન્નેમાં અનેક અસમાનતા છે.
 
મઢિગા જાતિને માલા જાતિની સરખામણીએ નીચલા સ્તરની ગણવામાં આવે છે. તેનાથી તેમના શિક્ષણ, નોકરી અને રાજકીય ગતિવિધિઓમાં પણ ફરક પડે છે.
 
જસ્ટિસ બી. આર. ગવઈએ જસ્ટિસ ઊષા મેહરા કમિટીના અહેવાલને ટાંકતાં જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશમાં 60 અનુસૂચિત જાતિઓમાંથી માત્ર ચાર-પાંચને જ અનામતનો લાભ મળી રહ્યો છે.
 
આ બધાનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટે પેટા-વર્ગીકરણની પરવાનગી આપી હતી. જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
 
કોણે આપ્યું હતું બંધને સમર્થન?
ભારત બંધનું એલાન, 
કન્ફેડરેશન ઑફ દલિત ઍન્ડ આદિવાસી ઑર્ગેનાઇઝેશને પણ દેશવ્યાપી બંધના એલાનને સમર્થન આપતાં માગણી કરી છે કે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટે આપેલા જજમેન્ટને રદ કરતો કાયદો લાવે. તેમનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને કારણે બંધારણીય અધિકારોને અસર થશે.
 
નેશનલ કન્ફેડરેશન ઑફ દલિત ઍન્ડ આદિવાસી ઑર્ગેનાઇઝેશને પણ વડા પ્રધાનને વિનંતી કરી છે કે તેઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓના જાતિગત ડેટાને રિલીઝ કરે, જેથી કરીને કોનું કેટલું પ્રતિનિધિત્વ છે એ જાણી શકાય.
 
આ બંધના એલાનને બહુજન સમાજ પાર્ટીએ પણ સમર્થન આપ્યું છે. આ સિવાય ઝારખંડ મુક્તિ મોરચા અને આરજેડીએ પણ પાછળથી આ બંધને સમર્થન આપ્યું હતું.
 
બીએસપીના નેશનલ કૉ-ઓર્ડિનેટર આકાશ આનંદે કહ્યું હતું કે, “અનામત અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણયની સામે એસસી-એસટી સમાજમાં ભારે ગુસ્સો છે. આ નિર્ણયના વિરોધમાં અમારા સમાજે 21 ઑગસ્ટે ભારત બંધનું આહ્વાન કર્યું છે. અમારો સમાજ શાંતિપ્રિય સમાજ છે. અમે સૌનો સહયોગ કરીએ છીએ. સૌનાં સુખ-દુ:ખમાં અમારો સમાજ સામેલ થાય છે. પરંતુ અમારી આઝાદી પર હુમલો કરવામાં આવી રહ્યો છે. 21 ઑગસ્ટે આપણે શાંતિપૂર્ણ રીતે સણસણતો જવાબ આપવાનો છે.”
 
ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી-કાંશીરામે પણ 21 ઑગસ્ટના ભારત બંધના એલાનને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. તેમની પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેનું સમર્થન આપતી પોસ્ટ કરી છે.
 
બંધના એલાનને અંગે સત્તાધારી પક્ષ ભાજપ અને સરકાર પર પણ દબાણ વધવાની સંભાવના છે.
 
ગત શુક્રવારે કેન્દ્રીય કૅબિનેટે કહ્યું હતું કે, “ક્રીમી લેયર એ એસસી અને એસટી કૅટેગરીને મળતી અનામત પર લાગુ નહીં થાય.”
 
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, “અમારી સરકાર બાબાસાહેબ આંબેડકરે બનાવેલી બંધારણીય જોગવાઈઓનું પાલન કરવા માટે કટિબદ્ધ છે. બાબાસાહેબે બનાવેલા બંધારણમાં ક્રીમી લેયરની કોઈ જોગવાઈ નથી. કૅબિનેટે કરેલા વિચારમંથન બાદ લીધેલો નિર્ણય એ છે કે માત્ર ને માત્ર બાબાસાહેબના બંધારણ પ્રમાણે જ એસસી-એસટી સમૂહોને અનામત આપી શકાશે. ”
 
સરકાર તરફથી બૅન્ક કે સરકારી ઑફિસો બંધ રહેવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. શું બંધ રહેશે કે ચાલુ રહેશે તેની પણ કોઈ જાહેરાત નથી. કેટલીક જગ્યાએ જાહેર પરિવહન પ્રભાવિત થવાની સંભાવના છે.
 
ઇમર્જન્સી સેવાઓ જેવી કે હૉસ્પિટલ, ઍમ્બ્યુલન્સ અને ફાયર વિભાગ ચાલુ જ રહેશે. બંધના આયોજકોએ મોટી સંખ્યામાં લોકોને એકઠા થઈને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનું કહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર