રાજકોટની પંડિત દિન દયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજના 200 જેટલા વિદ્યાર્થીઓ 15 દિવસ માટે સસ્પેન્ડ

શનિવાર, 29 જુલાઈ 2023 (18:24 IST)
Pandit Din Dayal Upadhyay Medical College
રાજકોટની પંડિત દિન દયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજના 200 જેટલા વિદ્યાર્થીઓને 15 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય ગેરશિસ્ત બદલ લેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસની સાથે હોસ્ટેલમાં પણ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે.

રાજકોટની પંડિત દિન દયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા આ 200 વિદ્યાર્થીઓ પર લેક્ચરમાં બેજવાબદારીભર્યું વર્તન તેમજ ક્લાસરુમમાં અધ્યાપકોને હેરાન કરવા અને ક્લાસરુમમાં મસ્તી કરવી અને કોમેન્ટ પાસ કરવા જેવી અનેક ફરિયાદો થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓેને પહેલા અનેક વખત સમજાવવામાં આવ્યા હતા. જો કે તેના વર્તનમાં સુધારો ન થતા ક઼ડક કાર્યવાહી કરવામાં આવી છે. જો કે આ વિદ્યાર્થીઓને ફ્કત એક જ વિષયમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ મામલે મેડિકલ કોલેજના ડીન દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ગેરશિસ્ત બદલ વિદ્યાર્થીઓને દિન-15 31/07/2023થી 14/08/2023 સુધી પી.એસ.એમ વિભાગના તમામ શૈક્ષણિક કાર્યમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આ ઉપરાંત પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યુ હતું કે સંસ્થા દ્વારા MBBSના ત્રીજા વર્ષ પાર્ટ-1માં પીએસએમ વિષયના લેક્ચર ગત તારીખ 20 જૂલાઈના રોજ બપોરે ડો.રૂજલ ભીતોરાએ લેક્ચર લીધો હતો જેમા વિદ્યાર્થીઓએ બજવાબદારીભર્યું વર્તન કર્યું હતું અને માનભંગ થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરતા લેકચરમાં ખલેલ પહોંચાડવામાં આવી હતી. આ કારણે વિદ્યાર્થીઓ પર એક્શન લેવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર