ફોરેન ડેલિગેશન સાથે બેઠક હોવાથી 17 એપ્રિલનો વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ

મંગળવાર, 11 એપ્રિલ 2023 (16:22 IST)
વડાપ્રધાન  "સૌરાષ્ટ્ર તમિલ સંગમ " કાર્યક્રમનો પ્રારંભ કરાવવાના હતા
 
 વડાપ્રધાન મોદી આગામી 17 એપ્રિલે ગુજરાત પ્રવાસે આવવાના હતાં. હવે તેમનો આ પ્રવાસ રદ થયો છે. તેઓ ગીર સોમનાથમાં તમિલ સંગમનો પ્રારંભ કરાવવાના હતાં. ફોરેન ડેલિગેશન સાથે વડાપ્રધાનની બેઠક હોવાથી તેમજ કર્ણાટક ચૂંટણીના કારણે તેમનો આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ચેન્નઈ ખાતે ગત 19મી માર્ચે આ સૌરાષ્ટ્ર તમિલ સંગમની જાહેરાત કરી તેના લોગો, થીમ સોન્ગ અને રજીસ્ટ્રેશન પોર્ટલનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ લોન્ચ થયાના 24 કલાકમા 10 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરી આ સંગમને સારો પ્રતિસાદ આપ્યો હતો.
 
પીએમના પ્રવાસની અનેક તૈયારીઓ કરવામાં આવી હતી
બીજી તરફ 17 એપ્રિલે તમિલ સંગમનો કાર્યક્રમ યથાવત રહેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન રોડ શો કરવાના હતાં. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી સ્થળાંતર કરીને તમિલનાડુ રાજ્યમાં સ્થાયી થયેલા લોકોનું પણ સન્માન કરવામાં આવશે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરી બંને દેશો વચ્ચે સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 2024 ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને અનેક તૈયારીઓ કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીના પ્લાનિંગને લઈને પણ તેમનો આ પ્રવાસ મહત્વનો ગણવામાં આવી રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર