ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત આ રાજ્યોમાં નાઇટની કર્ફ્યુની જાહેરાત, જાણો કયા રાજ્યમાં કેવા છે પ્રતિબંધો

શનિવાર, 25 ડિસેમ્બર 2021 (08:55 IST)
કોરોનાના વધતા જતા કેસ હવે દરેક રાજ્ય માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. એવામાં તમામ રાજ્યો પોતાના સ્તરે તેની સામે લડવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પહેલા જ નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી ચૂક્યા છે. આ સિવાય હવે વધુ 1 રાજ્યએ પણ કોરોના સંક્રમણને રોકવા માટે નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે પણ શુક્રવારે સાંજે નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે. આ સાથે હરિયાણા સરકાર નાઇટ કર્ફ્યુ પર પણ વિચાર કરી રહી છે.
 
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન અને કોવિડ-19ની ત્રીજી લહેરને જોતા હવે ગુજરાતના કેટલાક જિલ્લામાં 25 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. સમગ્ર યુપી અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 25 ડિસેમ્બરથી દરરોજ રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે.
 
ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં હાલની કોવિડ-19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં 25 ડિસેમ્બરથી રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગૂ રહેશે.
 
ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron) ના કેસ સતત વધી રહ્યા છે અને આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 358 કેસ નોંધાયા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જ્યાં 88 લોકો સંક્રમિત થયા છે. ત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના 67 કેસ નોંધાયા છે. સમગ્ર દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત 358 દર્દીઓમાંથી 114 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે.
 
નોંધનીય છે કે દુબઈથી મુંબઈ આવતા મુંબઈના રહેવાસીઓએ 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. તેમને એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં. મુંબઈ એરપોર્ટ પર ઉતરતા પરંતુ મુંબઈની બહાર જતા મુસાફરોને પબ્લિક ટ્રાંસપોર્ટમાં જવા દેવામાં આવશે નહીં.
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજે કોરોનાના 98 નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 69 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.70 ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,18,198 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 694 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટિલેટર પર છે. 686 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,198 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1 અને પોરબંદરમાં 1 વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં 10111 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થયા છે. 
 
અમદાવાદ કોર્પોરેશનમાં 32, સુરત કોર્પોરેશનમાં 18, રાજકોટ કોર્પોરેશન 07, વડોદરા કોર્પોરેશન 10, કચ્છમાં 6, વલસાડ 5, ખેડા-રાજકોટમાં 3-3, ગાંધીનગર કોર્પોરેશન અને જુનાગઢ કોર્પોરેશનમાં 2-2, નવસારી-સાંબરકાંઠા-વડોદરામાં 2-2-2, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, સુરત 1 એમ કુલ 98 કેસ નોંધાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર