કેબિનેટની મિટીંગમાં લેવાયો ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય, કૃષિ લોન પર વાર્ષિક 1.5%ની વ્યાજ સહાયને આપી મંજૂરી
ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (11:24 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તમામ નાણાંકીય સંસ્થાઓ માટે ટૂંકા ગાળાની કૃષિ લોન પર 1.5% વ્યાજ સહાયને પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપી છે. આમ, નાણાંકીય વર્ષ 2022-23થી 2024-25 માટે ધિરાણ સંસ્થાઓ (જાહેર ક્ષેત્રની બૅન્કો, ખાનગી ક્ષેત્રની બૅન્ક, સ્મોલ ફાઇનાન્સ બૅન્કો, પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો, સહકારી બૅન્કો અને સીધી રીતે વાણિજ્યિક બૅન્કો સાથે જોડાયેલ કોમ્પ્યુટરાઈઝ્ડ PACS)ને ખેડૂતોને રૂ. 3 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન આપવા માટે 1.5% વ્યાજ સહાય પૂરી પાડવામાં આવશે.
વ્યાજ સહાય સમર્થનમાં આ વધારા માટે આ યોજના હેઠળ 2022-23 થી 2024-25ના સમયગાળા માટે રૂ. 34,856 કરોડની વધારાની અંદાજપત્રીય જોગવાઈઓ જરૂરી છે.
લાભો:
વ્યાજ સહાયમાં વધારો કૃષિ ક્ષેત્રમાં ધિરાણ પ્રવાહનું ટકાઉપણું સુનિશ્ચિત કરશે તેમજ ગ્રામીણ અર્થતંત્રમાં પૂરતું કૃષિ ધિરાણ સુનિશ્ચિત કરીને ધિરાણ સંસ્થાઓ ખાસ કરીને પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોનું નાણાકીય સ્વાસ્થ્ય અને સદ્ધરતા સુનિશ્ચિત કરશે.
બૅન્કો ભંડોળના ખર્ચમાં વધારાને શોષી શકશે અને ટૂંકા ગાળાની કૃષિ જરૂરિયાતો માટે ખેડૂતોને લોન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને વધુ ખેડૂતોને કૃષિ ધિરાણનો લાભ મેળવવા માટે સક્ષમ બનાવશે. તેનાથી રોજગારીનું સર્જન પણ થશે, કારણ કે પશુપાલન, ડેરી, મરઘાં ઉછેર, મત્સ્યપાલન સહિતની તમામ પ્રવૃત્તિઓ માટે ટૂંકા ગાળાની કૃષિ લોન પ્રદાન કરવામાં આવે છે. ખેડૂતો સમયસર લોનની ચૂકવણી કરતી વખતે વાર્ષિક 4 ટકાના વ્યાજદરે ટૂંકા ગાળાની કૃષિ ધિરાણ મેળવવાનું ચાલુ રાખશે.
ખેડૂતોને સસ્તા દરે મુશ્કેલી વિના ધિરાણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી એ ભારત સરકારની ટોચની પ્રાથમિકતા છે. તદનુસાર, ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી, જેથી તેઓ કોઈપણ સમયે ક્રેડિટ પર કૃષિ ઉત્પાદનો અને સેવાઓ ખરીદવા માટે સશક્ત બને.
ખેડૂતોને બેંકને લઘુતમ વ્યાજ દર ચૂકવવાનો રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ (આઇએસએસ) રજૂ કરી હતી, જેનું નામ હવે સંશોધિત ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ (એમઆઇએસ) રાખવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ ખેડૂતોને સબસિડીવાળા વ્યાજ દરે ટૂંકા ગાળાનું ધિરાણ પ્રદાન કરવાનો છે.
આ યોજના હેઠળ કૃષિ અને પશુપાલન, ડેરી, પોલ્ટ્રી, મત્સ્યપાલન વગેરે સહિત અન્ય આનુષંગિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ખેડૂતોને રૂ. 3.00 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન વાર્ષિક 7 ટકાના દરે ઉપલબ્ધ છે. ખેડૂતોને લોનની ત્વરિત અને સમયસર ચુકવણી માટે વધારાની 3 ટકા સહાય (ત્વરિત પુનઃચુકવણી પ્રોત્સાહન - પીઆરઆઈ) પણ આપવામાં આવે છે. તેથી જો ખેડૂત સમયસર તેની લોન ભરપાઈ કરે છે, તો તેને 4%ના વાર્ષિક દરે ધિરાણ મળે છે.
ખેડૂતોને આ સુવિધા પ્રદાન કરવા માટે ભારત સરકાર આ યોજના ઓફર કરતી નાણાકીય સંસ્થાઓને ઇન્ટરેસ્ટ સબવેન્શન (આઇએસ) પ્રદાન કરે છે. આ સહાય માટે કેન્દ્ર સરકાર દ્વારા 100 ટકા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જે બજેટના ખર્ચ અને લાભાર્થીઓના કવરેજ અનુસાર કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગની બીજી સૌથી મોટી યોજના પણ છે.
તાજેતરમાં જ 'આત્મનિર્ભર ભારત' અભિયાન અંતર્ગત 2.5 કરોડનાં લક્ષ્યાંક સામે 3.13 કરોડથી વધારે ખેડૂતોને નવું કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) જારી કરવામાં આવ્યા છે. પીએમ-કિસાન યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો માટે કેસીસી સંતૃપ્તિ અભિયાન જેવી વિશેષ પહેલોએ કેસીસીને મંજૂરી અપાવવા માટે સામેલ પ્રક્રિયા અને દસ્તાવેજોને પણ સરળ બનાવ્યા છે.
બદલાતી આર્થિક પરિસ્થિતિ, ખાસ કરીને નાણાંકીય સંસ્થાઓ, ખાસ કરીને સહકારી બૅન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો માટે વ્યાજના દરમાં અને ધિરાણના દરમાં વધારાને ધ્યાનમાં રાખીને, સરકારે આ નાણાકીય સંસ્થાઓને પૂરા પાડવામાં આવતા વ્યાજ સહાયના દરની સમીક્ષા કરી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આનાથી ખેડૂતને કૃષિ ક્ષેત્રમાં પર્યાપ્ત ધિરાણ પ્રવાહની ખાતરી મળશે તેમજ ધિરાણ આપતી સંસ્થાઓની નાણાકીય તંદુરસ્તી સુનિશ્ચિત થશે.
આ પડકારને પહોંચી વળવા ભારત સરકારે તમામ નાણાંકીય સંસ્થાઓ માટે ટૂંકા ગાળાની કૃષિ લોન પર ઇન્ટરેસ્ટ સબવેન્શન પુનઃસ્થાપિત કરીને 1.5 ટકા કરવાનો સક્રિયપણે નિર્ણય લીધો છે.