અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2018-19 માટે 6990 કરોડનું બજેટ આજે રજુ કરાયું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણકુમાર ભગવાનદાસ પટેલે 490 કરોડના વધારા સાથે આ બજેટને રજુ કર્યું. પ્રોપર્ટી અને વોટર ટેક્સના દર યથાવત રાખવામાં આવ્યાં છે. બજેટની જાહેરાત મુજબ વિકાસના કાર્યો પાછળ 3,490 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. શહેરમાં 3 જગ્યાએ નવા ફ્લાય ઓવર બનાવવામાં આવશે. નવી ટીપી સ્કિમમાં આરસીસી રોડ પાછળ 15 કરોડ ખર્ચાશે. 6 નવા પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે કાંકરિયા ખાતે સિંગાપોર જેવું ફિશ એક્વેરિયમ બનાવવામાં આવશે. ચંડોળા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઉપર પણ ધ્યાન આપવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા વર્ષ 2018-19ના મહત્વના ઠરાવો
-- મ્યુ.પ્રોપર્ટી ટેક્સ-કોન્ઝર્વન્સી ટેક્સ, વોટર ટેક્સના દરોમાં કોઈ જ વધારો કરાયો નથી.
- વાહનવેરા દરોમાં કોઈ જ વધારો નહીં.
- નરોડા પાટીયા ચાર રસ્તા ફ્લાય ઓવરબ્રિજ નવેસરથી તૈયાર કરવા માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી.
- કાલુપુર રેલવે ઓવરબ્રિજ પહોળો કરવા, કુબેરનગર રેલવે ઓવરબ્રિજ અંગે ફીઝીબિલિટી રિપોર્ટ તથા વાસણા પિરાણા ડો.બાબાસાહેબ આંબેડકર પુલ નીચે રંગસાગર ફ્લેટ પાસેથી પસાર થતા રસ્તા અંગે ફીઝિબિલિટી રિપોર્ટ ( રસ્તા ઉપર પુલની ઉંચાઈ સપ્રમાણ ન હોવાથી ઉંચાઈવાળા વાહનો પસાર થઈ શકતા નથી તેથી નાગરિકોને મુશ્કેલી પડે છે. જેને ધ્યાનમાં રાખીને વાસણા પિરાણા ડો.બાબાસાહેબ આંબેડકર રિવર બ્રિજના પશ્ચિમ તરફના ભાગની નીચેથી પસાર થતા વાહનોને વધુ ઊંચાઈ મળી રહે તે પ્રકારે આયોજન કરવા તેમજ વૈકલ્પિક રસ્તા અંગે આયોજન કરવા પ્રારંભિક ધોરણે. આ કામ માટે બજેટમાં 2 કરોડની જોગવાઈ.
- નવી ટીપી સ્કીમમાં આર.સી.સી.રોડનું આયોજન, ડામરના રસ્તાઓ પાણી ભરાવવાના કારણે વારંવાર તૂટી જાય છે. આ માટે બજેટમાં 15 કરોડની જોગવાઈ.