અલ્પેશ ઠાકોરના કારણે કોંગ્રેસમાં તો ઠીક પણ હવે ભાજપમાં પણ વિરોધ ઉભો થયો

શનિવાર, 8 જૂન 2019 (12:15 IST)
કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરીને સીધા મંત્રી બનાવવાનો ખેલ હવે ભાજપને જ ભારે પડે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. ખાસ કરીને અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવાની હિલચાલ સામે હવે નેતાઓ એકબીજાની આંતરિક મુલાકાત સમયે ખૂલીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ભાજપમાં આંતરિક વિરોધ શરૂ થવાની ભીતિને પગલે મંત્રી મંડળનું વિસ્તરણ લંબાવાય તેવી શક્યતા છે.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસી ધારાસભ્યોને રાજીનામા મુકાવીને સીધું મંત્રીપદ આપીને ચૂંટણીમાં ફાયદો મેળવી લીધો છે અને હવે રાજ્યસભાની બંને બેઠકો મેળવવા પણ હોર્સ ટ્રેડિંગ શરૂ થાય તેવી શક્યતા છે ત્યારે વર્ષો જૂના ભાજપના કાર્યકરો અને સિનિયર નેતાઓ પણ આ પદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોર તેના સાથીઓ સાથે હજુ ભાજપમાં જોડાયા નથી, પરંતુ અલ્પેશ સહિત કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ત્રણ જેટલા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ કરવાની હિલચાલથી ભાજપમાં જ રોષની સ્થિતિ છે. ભાજપના સિનિયર નેતાઓને અલ્પેશની નીતિ રીતિ સામે જ વાંધો છે. કોંગ્રેસના બે ધારાસભ્યો કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા કેબિનેટ મંત્રી બન્યા છે હવે તેમાં વધુ 3 ધારાસભ્ય જોડાય તો મંત્રીમંડળમાં મૂળ કોંગી નેતાઓનું સંખ્યાબળ અને દબદબો વધશે જેની સામે વર્ષોથી પાર્ટી માટે મહેનત કરનારા નેતાઓ અને કાર્યકરોએ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોવાની સ્થિતિ આવી રહી છે. નેતાઓમાં એવો ગણગણાટ છે કે લોકસભામાં સારું પ્રદર્શન કર્યા પછી પાર્ટીને એવી કઇ મજબૂરી છે કે કોંગ્રેસી નેતાઓને પાર્ટીમાં મહત્વનું સ્થાન આપવામાં આવી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર