અમદાવાદના 2008 સીરિયલ બ્લાસ્ટ કેસમાં ચુકાદાની શક્યતા, 70 મિનિટમાં 21 બ્લાસ્ટથી કેવી રીતે ધ્રૂજી ઉઠ્યું શહેર?

મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (10:07 IST)
વિશેષ અદાલત દ્વારા મંગળવારે (તા. આઠમી ફેબ્રુઆરી) વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટના કેસમાં ચુકાદો આપવામાં આવશે એવી શક્યતા છે.
 
આ કેસના જજ એઆર પટેલ તા. 30મી જાન્યુઆરીના કોરોના પૉઝિટિવ આવ્યા હતા અને હૉમ આઇસૉલેશનમાં હોવાથી પહેલી ફેબ્રુઆરીએ તેનો ચુકાદો આવી શક્યો ન હતો.
 
આ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી નામનાં ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી.
 
આ કેસના કેટલાક આરોપીઓને સુનાવણી દરમિયાન અમદાવાદની સલામત મનાતી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાંથી તેમણે સુરંગ ખોદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાવતરાનો સમયસર પર્દાફાશ થઈ ગયો હતો.
 
તા. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં 70 મિનિટના ગાળામાં એક પછી એક 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 200થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
 
ગુજરાતમાં વિસ્ફોટો
સિમીના સભ્યોને લાગતું હતું કે વર્ષ 2002ના ગોધરાકાંડને પગલે ગુજરાતભરમાં ફાટી નીકળેલાં હુલ્લડોમાં લઘુમતી સમુદાયે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આથી, વેર લેવાના હેતુથી તેમણે અલગ સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના કરી હતી.
 
તા. 25મી જુલાઈ 2008ના દિવસે દેશના 'આઈટી સિટી' બેંગલુરુમાં એક પછી એક આઠ બૉમ્બવિસ્ફોટ થયા હતા, જેના બીજા દિવસે ગુજરાતની 'આર્થિક રાજધાની' અમદાવાદના રહેણાક, વ્યાવસાયિક વિસ્તારો, જાહેર પરિવહન વ્યવસ્થા અને હૉસ્પિટલોમાં 70 મિનિટના ગાળામાં એક પછી એક 21 વિસ્ફૉટ થયા હતા.
 
આ વિસ્ફોટ મણિનગર, હાટકેશ્વર સર્કલ, એલજી હૉસ્પિટલ અને સિવિલ હૉસ્પિટલના ટ્રૉમા સેન્ટર સહિતના વિસ્તારોમાં થયા હતા. અનેક વિસ્ફોટસ્થળ મણિનગર બેઠક હેઠળ આવતા વિસ્તારોમાં થયા હતા. વિધાનસભામાં નરેન્દ્ર મોદી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા.
 
કાવતરાંખોરો દ્વારા વિસ્ફોટનો સમય એવી રીતે ગોઠવવામાં આવ્યો હતો કે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં થયેલા વિસ્ફોટોના પીડિતોને જ્યારે નજીકની હૉસ્પિટલોમાં લાવવામાં આવે, ત્યારે વિસ્ફોટ ફાટી નીકળે. જેથી કરીને બચાવ કામગીરી કરનારાઓ તથા સેવાભાવીઓમાં ફફડાટ ફેલાઈ જાય અને મોટા પ્રમાણમાં ખુવારી થાય.
 
એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા તથા વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા.
 
કેસની વિગતો
આરોપીઓ સામે આઈપીસી (ઇન્ડિયન પીનલ કોડ, ભારતીય દંડસંહિતા), વિસ્ફોટક ધારા, યુએપીએ (અનલૉફૂલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ)ની અલગ-અલગ જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
 
અમદાવાદ બાદ ગુજરાત પોલીસને સુરતને ટાર્ગેટ બનાવીને મૂકવામાં આવેલા બૉમ્બ કેટલાંક સ્થળોએથી મળી આવ્યા હતા. શ્રેણીબદ્ધ વિસ્ફોટો તથા તેના પ્રયાસના કાવતરા બદલ અમદાવાદમાં 20 તથા સુરતમાં 15 એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવામાં આવી હતી.
 
અદાલત દ્વારા તમામ 35 એફઆઈઆરને મર્જ કરીને ખટલો હાથ ધરવામાં આવ્યો હતો. આરોપીઓ સામે આઈપીસી (ઇન્ડિયન પીનલ કોડ, ભારતીય દંડસંહિતા), વિસ્ફોટક ધારા, યુએપીએ (અનલૉફૂલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ)ની અલગ-અલગ જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
 
આ કેસમાં કુલ 78 શખ્સોને આરોપી બનાવવામાં આવ્યા હતા, પાછળથી એક શખ્સ તાજનો સાક્ષી બની ગયો હતો. આથી આરોપીઓની સંખ્યા ઘટીને 77 થઈ જવા પામી હતી.
 
સુનાવણી દરમિયાન અદાલત દ્વારા 1100 કરતાં વધુ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આ કેસના કેટલાક આરોપીઓ હજુ નાસતા ફરે છે અથવા તો કેટલાક આરોપીઓ મોડેથી ઝડપાયા હતા, જેમની સામે કેસ ચાલવાનો બાકી છે.
 
અમદાવાદ બ્લાસ્ટના મુખ્ય આરોપી મનાતા અબ્દુલ સુભાન કુરૈશીની વર્ષ 2018ની શરૂઆતમાં નવી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી.
 
સાબરમતી જેલ સુરંગકાંડ
આ કેસમાં ઝડપાયેલા આરોપીઓને અમદાવાદની બહુસલામત મનાતી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે. સુનાવણીના પ્રારંભિક તબક્કે વિશેષ અદાલત સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ બેસતી હતી.
 
આ કેસની સુનાવણી વર્ષ 2009થી શરૂ થઈ હતી. પાછળથી મોટાભાગની સુનાવણી વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી પૂર્ણ કરવામાં આવી હતી.
 
બ્લાસ્ટકેસના આરોપીઓ દ્વારા કથિત રીતે સાબરમતી જેલમાં 200 ફૂટ કરતાં લાંબી ટનલ ખોદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. એ મુદ્દે અલગથી આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે, જેની સુનાવણી હજુ બાકી છે.
 
'ટેકી બૉમ્બર તરીકે ઓળખાતા કુરૈશી કેટલીક આઈટી કંપનીઓમાં કામ કરી ચૂક્યા હતા. અને તેઓ આઈએમની નાણાકીય બાબતોની જવાબદારી સ્વીકારી હતી. તેમને અમદાવાદ બ્લાસ્ટ કેસના 'માસ્ટરમાઇન્ડ' માનવામાં આવે છે.
 
વિસ્ફોટકોની હેરફેર માટે વપરાયેલી કાર ચોરવાના તથા વિસ્ફોટકો ગોઠવવાના આરોપી અફઝલ ઉસ્માની સપ્ટેમ્બર-2013માં પોલીસના જાપ્તામાંથી નાસી છૂટ્યા હતા, પરંતુ એક મહિના બાદ તેમને ફરી ઝડપી લેવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર