અમદાવાદમાં સુરક્ષાના દાવાઓ પોકળ નિવડ્યાં ભીડ વચ્ચે 5 કિલો સોનાની લૂંટ

મંગળવાર, 12 જૂન 2018 (12:08 IST)
શહેરમાં સુરક્ષાના દાવાઓને પડકારતી ઘટના બની છે. અમદુપુરા બસ સ્ટેન્ડ પાસેના ભીડભાડવાળા વિસ્તારમાં એક્ટિવાને લાત મારી દોઢ કરોડની કિંમતના પાંચ કિલો સોનાના દાગીના અને ગોલ્ડની લૂંટ થઈ છે. માણેક ચોકમાં ‘કિરણ’ નામે જ્વેલરી બનાવીને જ્વેલર્સને સપ્લાય કરતા હોલસેલરના બે માણસોને સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં બે બાઈકસવાર લૂંટારાએ લૂંટી લીધા છે. કુબેરનગર, નોબલનગરની જ્વેલરી શોપ્સમાંથી પરત માણેક ચોક આવતાં એક્ટિવાને લાત મારીને પાંચ કિલો સોનાના દાગીના ભરેલો થેલો લૂંટી જવાયાની ફરિયાદ થઈ છે. શહેરકોટડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. પ્રાપ્ત વિગતો મુજબ માણેક ચોકમાં ગુસા પારેખની પોળમાં આવેલા કેરેટ કોમ્પલેક્સમાં ધીરજભાઈ પોખરણા ‘કિરણ’ નામથી જ્વેલરી બનાવવાનો વ્યવસાય કરે છે. ધીરજભાઈની આ પેઢીમાં ચાર કર્મચારી કામ કરે છે. ગોવિંદ પટેલ અને પુટર સોની નામના બે કર્મચારી તેમના નિત્યક્રમ મુજબ એક્ટિવા ઉપર જ્વેલરી શોપ્સમાં દાગીના બતાવવા ગયા હતા. પરત આવતી વખતે ફોન પર વાત કરી રહ્યાં હતાં એવામાં જ બાઈકસવારે લાત મારતાં બન્ને પટકાયા હતા. ગોવિંદ અને પુટર કંઈ સમજે તે પહેલાં બાઈકસવાર દોઢ કરોડની કિંમતના પાંચ કિલો સોનાના દાગીના ભરેલો થેલો લૂંટી લૂંટારા કાલુપુર બ્રિજ તરફ પલાયન થઈ ગયા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર