Coronavirus : અમદાવાદ એરપોર્ટ ખાતે ૨૪ કલાક એક ડૉકટર, બે પેરામેડિકલ સ્ટાફ સહિત એમ્બ્યુલન્સની સુવિધાઓ તૈનાત

શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (14:43 IST)
નોવેલ કોરોના વાયરસનો ફેલાવો ચીન સહિત વિશ્વના અન્ય ૧૭ દેશોમાં જોવા મળ્યો છે, ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી, નાગરિકોએ ગભરાવાની સહેજ પણ જરૂર નથી. તમામ પ્રકારની આરોગ્ય સવલતો પૂરી પાડવા રાજ્યનું આરોગ્ય તંત્ર સુસજ્જ હોવાનું આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું. 
 
ગાધીનગર ખાતે નોવેલ કોરોના વાયરસ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ કામગીરીની મીડિયા સાથે  વિગતો આપતાં જયપ્રકાશ શીવહરે એ ઉમેર્યું કે, આ રોગના લક્ષણો સંદર્ભે બહારથી  આવતા નાગરિકો સ્વયં  જાણ કરે તે અત્યંત અનિવાર્ય છે. નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે તે માટે અમદાવાદ એરપોર્ટ ખાતે ૨૪ કલાક સ્ક્રીનીંગ માટે ટર્મિનલ-૨ ઉપર ૨૪ કલાક એક ડૉક્ટર તેમજ બે પેરા મેડીકલ સ્ટાફ સાથેની મેડીકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે તૈનાત કરવામાં આવી છે. મેડીકલ ટીમની સાથે થર્મલ સ્કેનર, પી.પી.ઈ.કીટ, એન-૯૫ માસ્ક, થ્રી લેયર માસ્ક, ઓક્સિજન, ઈમરજન્સી દવાઓ તથા સેલ્ફ ડિક્લેરેશન અંગેના ફોર્મ રાખવામાં આવી છે. 
 
આ ઉપરાંત ૨૪x૭ એડવાન્સ લાઈફ સપોર્ટ સાથેની એમ્બ્યુલન્સ રાખવામાં આવી  છે. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ ખાતે ટર્મિનલ ૧ તેમજ વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર પણ હેલ્થ એલર્ટ ડિસ્પ્લે કરવામાં આવી છે. કોરોના વાયરસ માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં અધતન સાધનો અને દવા સાથેનો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. આરોગ્ય કમિશનરની કચેરી અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC), ગાંધીનગર ખાતે કોરોના વાયરસ અંગે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. 
 
ભારત સરકાર દ્વારા મળેલ સુચના અનુસાર અમદાવાદ એરપોર્ટ પર ચાઈના, હોંગકોંગ, સીંગાપુર, થાઈલેન્ડ, જાપાન અને સાઉથ કોરિયા દેશમાંથી આવતાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. સેટકોમનાં માધ્યમથી તમામ આરોગ્ય કર્મીઓને આ રોગ વિષે માહિતીગાર પણ કરવામાં આવ્યા છે અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાકક્ષાના અધિકારીઓ સાથે આ રોગની સમીક્ષા કરવામાં આવ રહી છે.  આઈ.એમ.એ.ના સહકારથી તમામ ખાનગી ડૉકટરોને સેન્સેટાઈઝ કરવામાં આવ્યા છે. ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય સચિવ, સ્પેશિયલ સેક્રેટરી, ડાયરેક્ટર એન.સી.ડી.સી. જેવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમિત ધોરણે વીડિયો કોન્ફરન્સ કરી માર્ગદર્શન આપવામાં આવે છે.
 
રાજ્યના કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવનાર આરોગ્ય કર્મીઓને તથા એરપોર્ટ ઓથોરીટી, એરલાઈન સ્ટાફ અને ઈમિગ્રેશન સ્ટાફને પણ કોરોના વાયરસ અંગેની તાલીમ આપવામાં આવી છે તેમજ રાજયના બંદરો ખાતે પણ રોગ અટકાયતી પગલા લેવા માટે સૂચનાઓ આપી દેવાઇ છે.
 
નોવેલ કોરોના વાયરસનો આઉટબ્રેક ચાઈના દેશના વુહાન, હુબઈ અને અન્ય પ્રાંતો ઉપરાંત વિશ્વના થાઈલેન્ડ, જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, વિયેતનામ, નેપાળ, શ્રીલંકા વગેરે જેવા ૧૭ દેશોમાં પણ આ રોગના કેસ જોવા મળેલ છે. ચીનમાં આજ સુધી કુલ ૭૭૧૧ કેસ અને ૧૭૦ મૃત્યુ નોંધાયા છે. આ રોગમાં મૃત્યુદર ૨.૩% જેટલો છે. મૃત્યુ પામેલ દર્દીઓમાં મોટા ભાગે ૬૦ વર્ષથી વધુ ઉમરના લોકો અને ડાયાબીટીસ, બી.પી., અસ્થમા, ન્યુમોનિયા, હાર્ટડીસીઝ જેવા અન્ય રોગોથી પીડિત હોવાનું માલુમ પડ્યું છે. 
 
ગુજરાતમાં આ રોગનો કોઇ કેસ નોંધાયેલ નથી. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મળેલ માહિતી તેમજ સ્થાનિક કક્ષાએથી આરોગ્ય વિભાગને મળેલ માહિતી અનુસાર રાજયમાં કુલ ૪૩ મુસાફરો ચાઈનાથી આવ્યા છે. જેમાં મહેસાણા-૧૬, પંચમહાલ-૬, સુરત કોર્પોરેશન-૫, અમદાવાદ કોર્પોરેશન-૪, આણંદ-૩, વડોદરા કોર્પોરેશન-૨, જુનાગઢ કોર્પોરેશન-૨, અમદાવાદ-૧, મહીસાગર-૧, પાટણ-૧, જામનગર-૧ અને રાજકોટ-૧નો સમાવેશ થાય છે. આ તમામ ૪૩ મુસાફરોને ઓબ્ઝર્વેશન હેઠળ તેઓના ઘરે રાખવામાં આવેલ છે. આ તમામ મુસાફરોની તબિયત સારી છે અને તમામનું જિલ્લાના સર્વેલન્સ અધિકારી તેમજ કોર્પોરેશન સર્વેલન્સ અધિકારી દ્વારા દૈનિક ધોરણે મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
 
આ રોગના લક્ષણોમાં ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જોવા મળે છે. આ રોગનો ચેપ ચેપી સી-ફૂડ ખાવાના કારણે થતો હોવાનું મનાય છે. આ રોગનો ફેલાવો મનુષ્યથી મનુષ્યમાં થવાની ખુબજ ઓછી શક્યતા રહેલી છે. આ રોગની તપાસ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી, પુના ખાતે કરવામાં આવે છે. રાજ્યમાં જો કોઈ કેસ નોંધાય તો તેનું સેમ્પલ પુના ખાતે મોકલી આપવામાં આવશે અને પાંચ કલાકમાં જ તેનો રીપોર્ટ મળી જાય તેવી વ્યવસ્થા પણ ગોઠવી દેવાઇ છે. 
 
રોગના અટકાવ અને નિયંત્રણ માટે નાગરિકોએ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી. વારંવાર સાબુથી હાથ ધોવા, છીંક કે ઉધરસ ખાતી વખતે મોઢુ અને નાક રૂમાલ કે ટીસ્યુ પેપરથી ઢાંકવા,  હસ્તધૂનનના બદલે નમસ્કારથી અભિવાદન કરવું, ભીડભાડ વાળી જગ્યાએ ન જવું, જો આપને કોઇ બિમારી જણાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવીને સારવાર લેવી, જિલ્લા આરોગ્ય તંત્રને તાત્કાલિક જાણ કરવી, વિમાન મુસાફરી દરમિયાન બિમારી જણાય તો એરલાઇન્સ સ્ટાફ કે ઇમીગ્રેશન કાઉન્ટર ઉપર તમારી બિમારી વિશે તુર્તજ જાણ કરવી અને તેમની પાસેથી માસ્ક મેળવવો જેવી તકેદારી રાખવા પણ તેમણે રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર