અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશન પર સમર્થકો સાથે જિજ્ઞેશ મેવાણીનો હલ્લાબોલ, દારૂના અડ્ડા બંધ કરાવો નહીં તો આંદોલન
ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (12:03 IST)
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલતા હોવાની રજૂઆત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સાથે બુધવારે મોડી સાંજે હજારો સમર્થકો સાથે તેમણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ઘટનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ જેસીપી જે.કે. ભટ્ટ સહિત ડીસીપીનો કાફલો દોડી આવ્યો હતો. જ્યારે મેવાણીએ પાંચ મહિલાઓને તેમની આપવીતી રજૂ કરવા જે.કે. ભટ્ટ સમક્ષ મોકલ્યા હતા. પોલીસે દારૂના અડ્ડા બંધ કરાવવાની પણ બાંહેધરી આપી હતી. ઉપરાંત એક અઠવાડિયા સુધી મહિલાઓ સાથે એક એસીપીને રાખીને તેઓ કહેશે તે તમામ દારૂના અડ્ડાઓ પર રેડ કરવાની ખાતરી આપી હતી. બુધવારે મોડી સાંજે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો અભિવાદન સમારોહ ગોમતીપુરમાં યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ રોડ શો પણ હતો. આ દરમિયાનમાં સ્થાનિક લોકોએ મેવાણી સમક્ષ અહીં દારૂના અડ્ડા ધમધમી રહ્યાં હોવાની ફરિયાદ કરી હતી.
આ સાંભળતા જ મેવાણી સીધા જ ગોમતીપુર પોલીસ સ્ટેશને ધસી ગયા હતા. અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળાં સાથે ગોમતીપુર પોલીસ સ્ટેશનને જ ઘેરી લીધુ હતું. મેવાણીએ જણાવ્યું કે, ગોમતીપુરમાં દર ત્રીજી ગલીએ દારૂ વેચાય છે. અને તે પેટે લેવાતા 150 થી 200 કરોડના હપ્તા દિલ્હી સુધી પહોંચે છે. જો 24 કલાકમાં અહીંના તમામ દારૂના અડ્ડા બંધ કરાવવામાં નહીં આવે અને જો ડીસીપી દ્વારા દરેક અડ્ડા પર દરોડા પાડવામાં નહીં આવે તો આંદોલન કરાશે. અમદાવાદના પોલીસ કમિશનર એ.કે. સિંઘે મેવાણીના આક્ષેપો અંગે જણાવ્યું હતું કે, દારૂના અડ્ડા પોલીસ નથી ચલાવતી, શેનું અલ્ટિમેટમ, અમે સંયમ રાખીએ ત્યાં સુધી ઠીક છે. ગેરકાયદે તમામ પ્રવૃતિ સામે પોલીસની નજર છે જ. તેમણે કરેલા આક્ષેપો પણ પાયાવિહોણા છે તેનો સ્વીકાર કરી શકાય નહીં. અમે તેની ચકાસણી કરીશું. એકતરફી આક્ષેપો સ્વીકારી શકાય નહીં. અમે સંયમ રાખી રહ્યાં છે. દારૂના અડ્ડા બંધ કરાવવા માટે પોલીસ કાર્યવાહી કરવામાં આવે જ છે. જે અલ્ટીમેટમની વાત કરાઈ છે તો શેનુ અલ્ટીમેટમ, અલ્ટીમેટમની વ્યાખ્યા શું? મેરીટ મુજબ કામ થશે. દારૂના અડ્ડા પોલીસ નથી ચલાવતી. કાર્યવાહી ચોક્કસથી કરાશે. અને અમારા પોલીસ ઈન્સ્પેકટર અને એસીપી સહિતના અધિકારીઓ ત્યાં જ છે. કોઈ અધિકારીએ પોલીસસ્ટેશન છોડયુ નથી.