2002ના રમખાણોની ફાઇનલ રિપોર્ટ વિધાનસભામાં થયો રજૂ, નાણાવટી પંચે પીએમ મોદીને આપી ક્લિન ચીટ

બુધવાર, 11 ડિસેમ્બર 2019 (12:46 IST)
ગુજરાતમાં 2002માં થયેલા રમખાણો મુદ્દે નાણાવટી પંચનો ફાઇનલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીને ક્લિન ચીટ આપવામાં આવી છે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં 58 કારસેવકોને જીવતા સળગાવી દીધા બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નિકળ્યા હતા. 
 
બુધવારે ગુજરાત વિધાનસભામાં રમખાણોની તપાસ કરી રહેલા નાણાવટી પંચનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતના ગૃહમંત્રીએ સદનમાં કહ્યું કે રિપોર્ટમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી પર લાગેલા આરોપો નકારી કાઢ્યા છે. નાણાવટી મહેતા કમિશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બા સળગાવ્યા બાદ કોમી રમખાણો આયોજિત ન હતા. પંચે નરેંદ્ર મોદી નેતૃત્વવાળી ગુજરાત સરકારને પોતાના રિપોર્ટમાં ક્લીન ચીટ આપી છે. 
 
2002ના ગુજરાત રમખાણો અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહી પર ન્યાયમૂર્તિ નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ 25 સપ્ટેમ્બર 2009ના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કમિશન ટ્રેન અગ્નિકાંડા અને પછી ફેલાયેલા કોમી રમખાણોના કારણોની તપાસ માટે બનાવવાનું આવ્યું હતું. કમિશને 18 નવેમ્બર 2014ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પોતાનો અંતિમ રિપોર્ટ સોપ્યો હતો. પરંતુ ત્યારથી આ રિપોર્ટ રાજ્ય સરકાર પાસે જ છે. 
 
રાજ્ય સરકારે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત હાઇકોર્ટને કહ્યું હતું કે તે આગામી વિધાનસભા સત્રમાં રિપોર્ટ રજૂ કરશે. રાજ્ય સરકારે પૂર્વ આઇપીએસ અધિકારી આરબી શ્રીકુમારની જનહિતની અરજીના જવાબમાં આ આશ્વાસન આપ્યું હતું. શ્રીકુમારે હાઇકોર્ટ પાસે રાજ્ય સરકારને આ રિપોર્ટ સાર્વજનિક કરવાનો નિર્દેશ આપવાની અપીલ કરી હતી. શ્રીકુમારે કમિશન સમક્ષ સોગંધનામું આપીને ગોધરા હિંસા બાદ ફેલાયેલા રમખાણો દરમિયાન સરકાર દ્વારા કથિત નિષ્ક્રિયતા દાખવવા બદલ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે નવેમ્બર 2015માં તત્કાલિન મુખ્યમંત્રીને આ રિપોર્ટને સાર્વજનિક કરવાની માંગ કરી હતી. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસને આગ લગાડી દેવામાં આવી હતી. જેમાં કોચ નંબર એસ-6માં સવાર 59 કાર સેવકોનાં મોત થયાં હતાં. જેમાં મૃતકોમાં 27 મહિલાઓ, 10 બાળકો અને 22 પુરુષો હતા. જે બાદ રાજ્યભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને તેની તપાસ માટે આ પંચની રચના કરવામાં આવી છે.
 
નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ આજથી 10 વર્ષ પહેલાં 25 સપ્ટેમ્બર 2009માં શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ થયો હતો. નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો બીજો ભાગ આજથી 5 વર્ષ પહેલાં 18 નવેમ્બર 2014માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સોંપાયો હતો. હવે આ રિપોર્ટને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર