ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે એક સારા સમાચાર છે. હવે આ રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને સેક્ટર-1 અને ગિફ્ટ સિટી માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLU ખાતે ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં. 15 ફેબ્રુઆરીથી મુસાફરો ટ્રેન બદલ્યા વિના APMC-વાસણાથી સેક્ટર-1 સુધી સીધી મુસાફરી કરી શકશે. આ સિવાય હવે લોકોએ મોટેરાથી ગિફ્ટ સિટી જવા માટે મેટ્રો બદલવી નહીં પડે.
મેટ્રો ટ્રેન સેવાનો સમય
GNLU સ્ટેશન અને GIFT સિટી ઑફિસ વચ્ચે દર 30 મિનિટે બસ સેવા પણ ઉપલબ્ધ રહેશે, જે PDEUમાંથી પસાર થશે. મોટેરાથી પ્રથમ ટ્રેન સવારે 8 વાગ્યે ઉપડશે, જે GNLU સવારે 8:27 વાગ્યે અને GIFT સિટી સવારે 8:43 વાગ્યે પહોંચશે. ગિફ્ટ સિટીથી પ્રથમ ટ્રેન સવારે 9:03 વાગ્યે ઉપડશે, જે GNLU સવારે 9:20 વાગ્યે અને મોટેરા સવારે 9:46 વાગ્યે પહોંચશે. ગિફ્ટ સિટી માટે છેલ્લી ટ્રેન સાંજે 6:05 વાગ્યે ઉપડશે. સેક્ટર-1 માટે છેલ્લી ટ્રેન સાંજે 6:40 કલાકે દોડશે.