કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યાં બાદ ગુજરાતને હાઇ એલર્ટના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રધામો અને બોર્ડર તથા દરિયાઇ સુરક્ષા વધારી દેવામાંઆવી છે. જયારે ગુજરાતમાં પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ સાથે સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના મોટા શહેરોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.આપણે અમદાવાદની વાત કરીએ તો, શહેરનાં શાહપુર, દરિયાપુર , ગોમતીપુર, જુહાપુરા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સુરક્ષામાં વધારાની સાથે પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
આ ઉપરાંત સોશિયલ મિડિયા પર પણ બાજ નજર રાખવાનાં આદેશો આપવામાં આવ્યા છે. અમદાવાદમાં પ્રવેશના માર્ગો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજી તરફ હોટલ, ગેસ્ટ હાઉસોનું પણ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે આ ઉપરાંત અસમાજીક તત્વો પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મહત્વનું છે કે કાશ્મીરમાંથી 70 વર્ષ બાદ 370ની કલમ હટાવવામાં આવી છે.
જેના પગલે દેશભરમાં ઉજવણી થઇ રહી છે. આ સાથે આતંકી હુમલાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. ભારત સરકારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોને એલર્ટ કર્યાં છે. જેથી ગૃહ વિભાગે તકેદારીના પગલા ભરવા માટે સુચના આપવામાં આવતા પોલીસ એલર્ટ થઇ ગઇ છે. પવિત્ર યાત્રાધામ, એરપોર્ટ, રેલવે, એસટી બસ સ્ટોપ સહિતના જાહેર સ્થળો પર સુરક્ષા વધારીને ઠેર ઠેર નાકાબંધી કરીને સઘન તપાસ હાથ ધરી છે.