અમદાવાદ જિલ્લામાં સાણંદ સહિત ઔદ્યોગિક વિસ્તારમાંથી ૫૦૦૦ની હિજરત

સોમવાર, 8 ઑક્ટોબર 2018 (11:11 IST)
સાબરકાંઠામાં બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટના બાદ અમદાવાદ જિલ્લામાં ચોક્કસ કોમના લોકો દ્વારા પર પ્રાંતિય લોકોને નિશાન બનાવીને તેમને ગુજરાતમાંથી ભાગી જવાની ધમકી આપીને હુમલા કરવામાં આવી રહ્યા છે. જેથી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. એટલું જ નહી અમદાવાદ જિલ્લાના સાણંદ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાંથી ૫૦૦૦ લોકોએ હિજરત કરી છે. ધોળકા- બગોદરા હાઇવે પર આવેલી બે કંપનીમાં તોફાની ટોળાએ તોડફોડ કરીને લૂંટ ચલાવી હતી, જેમાં ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અમદાવાદ જિલ્લાના સાણંદ, ચાંગોદર સહિતના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં ૩૦૦ એસઆરપી સહિત ૧૦૦૦ પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સાબરકાંઠામાં બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનાના દિવસે ને દિવસે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. તેમાંયે ખાસ કરીને અમદાવાદ જિલ્લાના સાણંદ જીઆઇડીસી અને ચાંગોદર, વિરમગામ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં કેટલાક ચોક્કસ કોમના લોકો દ્વારા કામદારો તથા ઇન્ડસ્ટ્રીઝના માલિકોને પર પ્રાંતિય લોકોને ભગાડી મૂકવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. જેથી કારખાનામાં કામ કરતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. મળતી માહિતી મુજબ સાણંદ, ચાંગોદર સહિતના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં કામ કરતા અને આવા વિસ્તારોમાં રહેતા ૫૦૦૦ લોકો પરિવાર સાથે હિજરત કરી રહ્યા છે.
અમદાવાદ જિલ્લામાં ધોળકા-બગોદરા હાઇવે પર રોયકા ગામ પાસે આવેલી બે ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં તોફોની ટોળાએ હુમલો કરીને વાહનો અને ઓફિસમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. જેમાં કમ્પ્યુટર સર્વર અને રૃા. ૨૦૦૦ની લૂંટ ચલાવી હતી પથ્થરમારામાં ત્રણ વ્યકિતને ઇજા થવા પામી હતી, તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તોફાનીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ધોળકા સરોડા ગામ પાસે આવેલી રાય યુનિવર્સિટીના ગેટ પાસે પથ્થરમારો કરીને હોવાળો મચાવ્યો હતો. પોલીસે સ્થળ પર ૧૩ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે વિરમગામમાં પણ પકોડી સહિતની લારીઓની તોડફોડ કરીને માર મારીને લૂંટ ચલાવી હતી. આ કેસમા પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર