અમદાવાદની સાલ કોલેજમાં વિદ્યાર્થીની હાજરી મુદ્દે ABVPના નેતાએ આચાર્યને વિદ્યાર્થિનીના પગે પડાવ્યા

શુક્રવાર, 13 મે 2022 (14:56 IST)
અમદાવાદમાં ABVPના વિદ્યાર્થી નેતાઓની વારંવાર દાદાગીરીના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. શહેરની સાલ કોલેજમાં બનેલા કિસ્સાએ ગુરૂ અને શિષ્ય વચ્ચેના સંબંધો પર લાંછન લગાડ્યું છે. કોલેજમાં વિદ્યાર્થીનીની હાજરી મુદ્દે રજૂઆત કરવા ગયેલ ABVPના કાર્યકરોએ મહિલા આચાર્ય સાથે બોલાચાલી કરી હતી. તેમને વિદ્યાર્થીનીના પગે પડવા મજબૂર પણ કર્યાં હતાં. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સાલ એન્જિનિયરીંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીની હાજરી પુરતી નહીં હોવાથી કોલેજના આચાર્ય મોનીકા સ્વામીએ વિદ્યાર્થીનીના વાલીને જાણ કરી હતી અને કોલેજમાં મળવા આવવા જણાવ્યું હતું. જેથી આ બાબતે વિદ્યાર્થીનીએ ABVPને જાણ કરી હતી અને ABVPના ટેક્નિકલ કોલેજના વિદ્યાર્થી નેતા અક્ષત જયસ્વાલ પોતાના કાર્યકરો સાથે સાલ કોલેજના આચાર્યને રજુઆત કરવા ગયા હતા. આચાર્યને રજુઆત કરતા કરતા મામલો એટલો ઉગ્ર બન્યો કે ABVP ના કાર્યકરોએ દાદાગીરીથી મહિલા આચાર્ય મોનીકા ગોસ્વામીને વિદ્યાર્થીનીના પગે પડવા મજબુર કર્યા હતા.લોકોની એટલી ભીડ તથા ડરના કારણે આચાર્યએ વિદ્યાર્થીનીને હાથ જોડીને પગે લાગ્યા હતા. આ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ABVPના ઇન્સ્ટાગ્રામના પેજ પર પણ વીડિયો વાયરલ થયો છે.

જોકે કોલેજ દ્વારા આ મામલે કોઇ કાયદેસરની કાર્યવાહી કે અન્ય પગલાં લેવામાં આવ્યા નહોતા.આ અંગે મહિલા પ્રિન્સિપાલ મોનીકા ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાજરી ઓછી હોવાના કારણે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક ABVP ના વિદ્યાર્થી નેતાઓને બોલાવ્યા હતા. જેમણે ધમાલ કરી હતી. અમુક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જ આવે છે પરંતુ અમુક તોફાની પણ હોય છે.ABVPના મહાનગર મંત્રીએ પ્રાર્થના અમીને જણાવ્યું હતું કે સાલ કોલેજ કેમ્પસમાં થયેલ ઘટના નિંદનીય છે. કાર્યકર્તાઓ દ્વારા ભૂલ થઈ છે.આવી કોઈ પણ ઘટનાનુ ABVP સમર્થન કરતું નથી.ABVPનું પ્રતિનિધિ મંડળ આચાર્ય સાથે મળીને પોતાની ભૂલનો સ્વીકાર પણ કરશે. આ સમગ્ર વિષયમાં સંડોવાયેલ કાર્યકર્તા અક્ષત જયસ્વાલને પણ વિદ્યાર્થી પરિષદ દ્વારા દરેક જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવેલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર