અગાઉ વડોદરાના અમરનાથ યાત્રીનું અસહ્ય ઠંડીને કારણે મોત નિપજ્યું હતું
અમરનાથ યાત્રાએ ગયેલા યાત્રિકોની ખરાબ હવામાનને કારણે યાત્રા થોભાવી દેવામાં આવી છે. આ દરમિયાન વધુ એક ગુજરાતીનું મોત થયાની વિગતો સામે આવી છે. ભાવનગરના સિદસર ગામની મહિલાનું રસ્તામાં લોવર વેલી ખાતે મોત નિપજ્યું છે. શિલ્પાબેન નામની મહિલા ખાનગી ટ્રાવેલ્સમાં અમરનાથની યાત્રાએ ગયાં હતાં. જ્યાં ખરાબ હવામાનને કારણે તેમનું મોત નિપજ્યું હોવાની વિગતો સામે આવી છે. તેમના મૃતદેહને શ્રીનગર ખાતે પી.એમ માટે લઈ જવામાં આવ્યો છે.
30 જેટલા ગુજરાતી યાત્રાળુઓ ફસાયા હોવાના અહેવાલ
અમરનાથમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનાં કારણે અનેક યાત્રિકો અટવાયા છે. 30 જેટલા ગુજરાતી યાત્રાળુઓ અમરનાથના પંચતરણીમાં ફસાયા હોવાના અહેવાલ છે. તેમણે અગાઉ વીડિયો દ્વારા ગુજરાત સરકાર પાસેથી મદદ માંગી હતી. તે ઉપરાંત વડોદરા શહેરના વેમાલી ગામના માજી પંચાયત સભ્ય રાજેન્દ્ર ભાટીયા અસહ્ય ઠંડીનો સામનો ન કરી શકતા થોડા દિવસ પહેલા મોતને ભેટ્યા હતા.પંચતરણીમાં ભારે વરસાદ અને માઇનસ ડિગ્રી ઠંડી હોવાથી અનેક યાત્રીકોથી ઠંડી સહન ન થતાં બીમાર પડ્યા હોવાની વિગતો પણ સામે આવી હતી.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરી
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,ભાવનગરના સિદસર ગામના અમરનાથ યાત્રી શિલ્પાબેન ડાંખરાનુ રસ્તામાં લોવર વેલી ખાતે મૃત્યુ થયાના દુઃખદ સમાચાર મળેલ છે. મેં સાઇનબોર્ડ ના પદાધિકારીઓ તથા કેમ્પ ડાયરેક્ટર સાથે વાત કરી છે કે મૃતદેહ સત્વરે પરિવારને મળે તેવી વ્યવસ્થા કરે.તેઓએ ખાત્રી આપી છે કે મૃતદેહને એરલિફ્ટ કરી બેઇઝ કેમ્પ પર લાવી પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ વતન પહોંચે તે માટે વ્યવસ્થા કરશે.અમરનાથ યાત્રીઓ માટે સરકાર જરૂરી સુવિધા અને આરોગ્ય સંભાળ વધારે તે જરૂરી છે.