રાજકોટની મહિલા કોન્સ્ટેબલે અઢી વર્ષની દીકરીને સાથે રાખીને ફરજ નિભાવી

ગુરુવાર, 1 ડિસેમ્બર 2022 (16:31 IST)
​​​​​એક માતા બાળકો માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અડીખમ રહે છે, આ વાતને રાજકોટની મહિલા કોન્સ્ટેબલે સાર્થક કરી છે. તેઓ અઢી વર્ષની દીકરીને ચૂંટણી દરમિયાન સાથે લઈ જઈને માતૃત્વની જવાબદારી નિભાવે છે, તો સાથે સાથે પોલીસ સ્ટેશનમાં તેમનાં રોજિંદાં કાર્યો કરીને નોકરી પ્રત્યેની પણ ફરજ બજાવે છે.

અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસ દિવસરાત એક કરીને તેની ફરજ નિભાવે છે. ત્યારે રાજકોટનાં આ મહિલા કોન્સ્ટેબલ અરુણાબેન તેની અઢી વર્ષની દીકરીને સાથે રાખીને ફરજ નિભાવી રહ્યાં છે, જે ખરેખર ખૂબ જ ગર્વની વાત છે. પોલીસકર્મી અરુણાબેને જણાવ્યું હતું કે હું મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવુ છું. અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મને કોટક સ્કૂલમાં મૂકવામાં આવી છે, જ્યાં હું મારી ફરજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે બજાવું છું. ત્યારે અરુણાબેને જણાવ્યું હતું કે ઘરમાં હું અને મારો પતિ અને અમારું અઢી વર્ષનું બાળક અમે ત્રણેય સાથે રહીએ છીએ.હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને ઘરે કોઈ મારા બાળકને સાચવે એવું છે નહીં, એટલા માટે હું મારી દીકરીને મારી સાથે રાખું છે અને સાથે સાથે ફરજ પણ નિભાવું છું. અમારું જ્યાં ક્વાર્ટર છે ત્યાં ઘોડિયાઘર છે. ત્યાં અમે સવારે રાખીએ છીએ પણ ચૂંટણીના કારણે અમને 2 દિવસ અહીં જ નાઈટ હોલ્ડ હોય છે, જેથી હું મારા બાળકને ત્યાં રાખી શકતી નથી.

તેમણે આગળ કહ્યું હતું કે જેથી હું મારા બાળકને સાથે જ રાખું છું, કારણ કે ત્યાં આખો દિવસ સાચવે તેવું હોતું નથી. એટલે હું મારા બાળકને સાથે રાખું છું. કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ અને મારી ફરજના ભાગરૂપે હું મારી ફરજ નિભાવું છું. લોકશાહીનું પર્વ છે, એટલે કોન્સ્ટેબલ તરીકે મારી ફરજ જે પણ આવે છે એ હું નિભાવુ છું, સાથે જ એક માતા તરીકેની પણ ફરજ નિભાવું છું.મારા પતિ બિઝનેસમેન છે, એટલે ક્યારેક એવું પણ બને કે મારે વધારે કામ હોય તો તેમણે પણ બાળકને સાચવવું પડે. ઘણી વખત અમે પણ એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ. હું ઘણી વખત સાથે લઈને પણ મારી ફરજ નિભાવી લઉં છું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર