ફિલ્મી સ્ટોરી જેવો રિઅલ લાઈફમાં કિસ્સો બન્યો, શૌચાલય ન હોવાના કારણે થયા છુટાછેડા

બુધવાર, 20 ઑક્ટોબર 2021 (18:51 IST)
હિન્દી ફિલ્મ 'ટોયલેટ એક પ્રેમકથા'ની કહાની તો આપ સૌ જાણો જ છો કે કેવી રીતે એક રૂઢિચુસ્ત પરિવારમાં ફિલ્મની હિરોઈનનાં લગ્ન અક્ષયકુમાર સાથે થાય છે. પરંતુ સાસરીમાં શૌચાલય ન હોવાના કારણે હિરોઇન ક્ષોભજનક સ્થિતિમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. 
 
કંઈક આવી જ સ્ટોરી લગ્ન કર્યા પછી ગાંધીનગરની યુવતી સાથે  ઘટી છે. ન્યુ ગાંધીનગર વિસ્તારના ગામમાં રહેતી એક યુવતીએ ધોરણ-10 સુધી અભ્યાસ કર્યો છે. જોકે, ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પિતાને મદદરૂપ થવાના હેતુંથી અભ્યાસ અધૂરો મૂકીને તેણે બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો અને ગાંધીનગરમાં બ્યુટી પાર્લર પણ ખોલ્યું. સમય જતાં લગ્નની ઉંમર થઈ એટલે પરિવારજનોએ મુરતિયો શોધવાની શરૂઆત કરી હતી. લગ્નનું માંગુ મહેસાણાનાં મેંઉ ગામથી આવ્યું એટલે પરિવારજનો સાથે તે પણ પોતાની થનાર સાસરી ગઈ હતી. જ્યાં પોતાના ભાવિ પતિ સાથે મુલાકાત કરી હતી. સાસરીમાં વડીલોપાર્જિત છ એકર જેટલી જમીન હતી. અને ખેતીથી આશરે નવ હજારની આવક થતી હતી. પશુ પાલનથી મહિને 10 હજાર રૂપિયાની દૂધની આવક હતી અને યુવક પણ નોકરી કરતો હતો. આમ સાસરી ખાધે-પીધે સુખી જણાઈ આવી હતી.
 
યુવતીના ભાવિ પતિની બહેન માટે પણ વાત જોવામાં આવતી હતી અને આ બાજુ યુવતીના ભાઈ માટે પણ છોકરીઓ જોવાનું ચાલુ હતું. આમ બન્ને પરિવારો ભેગા થતાં સાટા પાટાનાં રિવાજ મુજબ લગ્ન નક્કી થયા હતા. પરંતુ સુખી સંપન્ન સાસરીમાં ક્યાંય શૌચાલય જોવા ન મળતાં યુવતીને થોડું અજુગતું લાગ્યું હતું. જેની યુવક સાથે ચર્ચા પણ કરી હતી. જેથી થોડા વખતમાં શૌચાલય બનાવી દેવાની તેણે બાંહેધરી પણ આપી હતી. બાદમાં વર્ષ 2013 માં બન્નેના લગ્ન થઈ જાય છે. બીજી તરફ યુવકની બહેન સાથે તેના ભાઈના પણ લગ્ન થાય છે. લગ્ન પછી તે પોતાની સાસરીમાં લગ્ન જીવનના હક્કો ભોગવવા જતી રહે છે. ઘરમાં શૌચાલય ન હોવાના કારણે તેને બહાર જવાની ફરજ પડે છે. શરૂઆત તો તેણે બધું ચલાવી લીધું પણ સમય જતાં શૌચાલય બનાવવાનો વાયદો વીસરાઈ જતાં દંપતી વચ્ચે માથાકૂટ થવા માંડી .
 
વારંવાર રજૂઆત કરવા છતાં પતિએ તેની વાતની અવગણના કરે રાખી હતી. પરિસ્થિતિ ત્યાં સુધી વણસી કે તે ફૂડ પૉઇઝનિંગની બીમારીમાં સપડાઈ અને વારંવાર શૌચ માટે જવાની નોબત પડતી હતી. જેનાં માટે ગામ વચ્ચેથી જવાનું હોવાથી તે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. જેથી શૌચાલયના મુદ્દે દંપતી વચ્ચે ઝગડા દિવસે દિવસે વધવા લાગ્યા હતા.જેનાં કારણે પતિ મારઝૂડ પણ કરવા લાગ્યો હતો. આખરે કંટાળીને તે પિયર આવતી રહી જેની સીધી અસર એ થઈ કે તેના પતિએ તેની બહેનને પણ પરત બોલાવી લીધી હતી. આમ સાટા પાટાનાં લગ્નમાં બે યુગલો વિખૂટા પડી ગયા હતા. બાદમાં પરિવારના વડીલોની સમજાવટથી સમાધાન પણ થઈ જાય છે. પરતું રૂઢિ ચુસ્ત રિવાજ સાટા પાટાનાં દંડ મુજબ સમાધાન પેટે સાસરીમાં ભેંસ આપવી પડી અને પતિને ગાંધીનગરમાં કરિયાણાની દુકાન માટે પૈસા પણ આપવા પડ્યા.
 
અંતે બન્ને યુગલો ફરી પાછા સુખેથી જીવન પસાર કરવા લાગે છે. જોકે, આટલી માથાકૂટ થયા પછી પણ સાસરીમાં શૌચાલય બન્યું ન હતું અને ફરી પાછાં ઝગડા દંપતી વચ્ચે શરૂ થઈ જાય છે. આખરે કંટાળીને યુવતીએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરાવ્યો હતો. ફરી પાછા સાટા પાટામાં પરણેલા બે દંપતીઓ વિખૂટા પડી જાય છે. જે પછી વાત છૂટાછેડા સુધી આવે છે અને પોતાના પતિથી છૂટાછેડા લેવા સપના ગાંધીનગર કોર્ટમાં પણ ફરિયાદ કરે છે. જેમાં ત્રણ વર્ષ સુધી કાનૂની લડત ચાલી હતી અને છેલ્લે ગાંધીનગર કોર્ટે છૂટાછેડાને મંજૂર કરી પતિને છ હજાર ભરણ પોષણ ચૂકવવાનો હુકમ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર