આ મામલે પોલીસે આરોપી પ્રેમીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ચકચારી હત્યા અંગે ડીવાયએસપી પી.જી.જાડેજાના જણાવ્યા મુજબ રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતી ઉર્મિલા નામની યુવતી છેલ્લા ચારેક વર્ષથી રાજકોટના બુટલેગર મનસુખ જાદવ નામના શખ્સ સાથે લિવઈન રિલેશનશીપમાં રહેતી હતી. છેલ્લા ઘણા સમયથી મનસુખ અને ઉર્મિલા વચ્ચે આડાસંબંધને લઈ વિવાદ ચાલતો હતો. એવા સમયે મનસુખે પોતાના મનમાં ઉર્મિલાની હત્યા કરવાનું કાવતરૂ રચી પ્લાન કરી લીધો હતો. જે મુજબ મનસુખ અને ઉર્મિલા ગત તા.8 ના રોજ રાજકોટથી જૂનાગઢ આવ્યા હતા.ઉર્મિલાને ભવનાથ જંગલ વિસ્તારમાં ધાર્મિક જગ્યાએ દર્શન કરવા જવાનું કહી જંગલ વિસ્તારમાં લઇ ગયો હતો. ત્યાં પ્રેમી મનસુખે ઉર્મિલા પર આડેધડ છરીના ઘા વડે હુમલો કરી હત્યા કરી હતી. જે બાદ બે-ત્રણ દિવસથી મનસુખ એકલો જોવા મળતો હતો. જેથી ઊર્મિલાનાના પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જઈ રહી હતી.
મૃતક પ્રેમીકાની માતાએ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ઉર્મિલા ગુમ થઈ હોવાની અરજી આપી હતી.આ અરજીના આધારે રાજકોટ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સની મદદ લઈને મનસુખનું લોકેશન મેળવી તેની પુછપરછ હાથ ધરી હતી. ત્યારે ઉર્મિલાની જૂનાગઢના ભવનાથ જંગલ વિસ્તારમાં હત્યા કરી હોવાની મનસુખે કબુલાત આપી હતી. જે વિગતના આધારે રાજકોટ પોલીસે જૂનાગઢ આવી સ્થાનીક પોલીસની મદદ મેળવી ભવનાથ વિસ્તારમાં જંગલોમાં મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી. મનસુખે હત્યા વાળી જગ્યા બતાવતા ત્યાં ઉર્મિલાનો મૃતદેહ પડ્યો હતો. જોકે, મૃતદેહનો એક હાથ દીપડો ખાઈ ગયો હતો.પોલીસે મૃતક ઉર્મિલાની માતાની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આરોપી મનસુખની ધરપકડ કરી હતી. તેમજ આરોપી વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ ભવનાથના જંગલ વિસ્તારમાં ઉર્મિલાના મૃતદેહની બાજુમાં સિંહો ગર્જના કરતા હતા અને પોલીસે મહામહેનતે મૃતદેહને જંગલમાંથી બહાર કાઢી પી.એમ.અર્થે ખસેડ્યો છે.આ ચકચારી હત્યા મામલે અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા છે. જે અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનો આરોપી મનસુખ પ્રોહીબીશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો છે અને પાસામાં જેલની હવા ખાઈ આવ્યો છે. મૃતક ઉર્મિલાને ગર્ભ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.