અમદાવાદમાં લૂંટની ઘટનાઓ બેફામ પણે વધી રહી છે. રિક્ષામાં બેઠેલા મુસાફરોની નજર ચૂકવીને તેમના દાગીના, મોબાઈલ અને રોકડ રકમ લૂંટી લેવાની ઘટનાઓ સામે આવી રહી છે. તે ઉપરાંત મુસાફરોના સ્વાંગમાં રિક્ષામાં બેસીને રિક્ષા ચાલકોને દવા ભેળવેલો પ્રસાદ ખવડાવીને તેને લૂંટી લેનારી ગેંગ પણ પોલીસના ડર વિના સતત લૂંટ મચાવી રહી છે. ત્યારે આવા કેસમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોને બેભાન કરીને લૂંટી લેતી ગેંગને પકડીને કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ મળ્યા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીને આધારે રામરાજ પરિહાર અને મનિષા સોલંકી નામની મહિલાની બાપુનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓને પકડીને ક્રાઈમ બ્રાંચે કાગડાપીઠ, મણિનગર અને અસલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ ઉકેલી નાંખ્યા હતાં. બંને આરોપીઓએ ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં જણાવ્યું હતું કે, તેઓ શહેરના જુદા જુદા વિસ્તારમાં રિક્ષા ચાલકોને રોકીને મુસાફરી કરતાં હતાં અને રસ્તામાં આવતાં મંદિરે દર્શન કરવાના બહાને મહિલા ઉતરી જતી હતી. ત્યાર બાદ મંદિરમાં પહેલાંથી જ આરોપી રામરાજ હાજર રહેતો હતો અને દવા ભેળવેલી પેંડાની પ્રસાદીનું બોક્સ આરોપી મનિષાને આપી દેતો હતો. ત્યાર બાદ મનિષા રિક્ષા ચાલકને વાતોમાં ભેળવીને પ્રસાદી ખવડાવતી હતી. આ પેંડો ખાધા બાદ રિક્ષાચાલકને અસર થતાં જ મહિલા રિક્ષામાંથી ઉતરી જતી હતી. ત્યાર બાદ મોટર સાયકલ લઈને આરોપી રામરાજ રિક્ષાનો પીછો કરતો હતો અને મોટર સાયકલ રસ્તામાં જ મુકીને રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસી જતો હતો. આ દરમિયાન રિક્ષા ચાલક બેભાન અવસ્થામાં આવી જતો હોવાથી તેની પાસેના દાગીના અને રોકડ સહિતની લૂંટ કરીને રામરાજ ત્યાંથી ફરાર થઈ જતો હતો.