સુરતની ટ્રાઈસ્ટાર હૉસ્પિટલમાં આગ, દરદીઓ સલામત ખસેડાયા

બુધવાર, 18 નવેમ્બર 2020 (16:07 IST)
સુરતમાં આવેલી ટ્રાઈસ્ટાર હૉસ્પિટલમાં આગ ફાટી નીકળતાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ફાયરવિભાગની ગાડીઓ પહોંચી ગઈ હતી અને દરદીઓને સલામત બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ટ્રાઈસ્ટાર હોસ્પિટલ પહોંચેલા ફાયરના જવાનોએ બીજા માળે ઇમરજન્સીમાંથી લગભગ 15-20 જેટલા દર્દીઓને ગ્લુકોઝની બોટલ સાથે રેસ્કયુ કર્યા હતા. જ્યારે કેટલાક દર્દીઓને માસ્ક અને ઓક્સિજન બોટલ સાથે જ રેસ્ક્યુ કરાયા હતા. આગ લાગવા પાછળનું કારણ કેબલમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું.
દિપલકુમાર શાહ સાથે થયેલી વાતચીતમાં સુરત મહાનગર પાલિકાના ઍડિશનલ ચીફ ફાયર ઑફિસરે ઘટનાની પુષ્ટિ કરતાં કોઈ જાનહાની ન થઈ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું, "ધારાધોરણો મુબજ મૉકડ્રીલ્સ પણ અગાઉ થઈ હતી. હાલ કામગીરી ચાલુ છે. વધુ તપાસ આદરવામાં આવશે."
 
જ્યારે આગ લાગી ત્યારે અંદર 16 દરદીઓ હતા. 
 
સ્થાનિક પત્રકાર ધર્મેશ અમીનના જણાવ્યા અનુસાર તમામ દરદીઓને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
 
ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતાં નજીકમાં પોઈન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન પણ દોડી આવ્યા હતા. આગની જાણ થતાં ફાયર કાફલો પણ પહોંચી ગયો હતો. પ્રથમ ફાયર વિભાગે દર્દીઓનું રેસ્કયૂ હાથ ધર્યું હતું, જેમાં ટીઆરબી જવાન, રાહદારીઓ, નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની મદદથી ફાયરના જવાનોએ દર્દીઓને બહાર કાઢ્યા હતા.
 
તેમના જણાવ્યા અનુસાર હાલમાં કૂલિંગની કામગીરી ચાલી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર