સુરત: ONGC ના ગેસ પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, Video માં બ્લાસ્ટ સાથે જોવા મળી આગની જ્વાળાઓ

ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (09:29 IST)
ગુજરાતના સુરત સ્થિત ઓએનજીસીના હજિરા ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં બુધવારે મોડી રાત્રે આગ લાગી હતી. હવે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી અને ના તો કોઇને ઇજા પહોંચી છે. આ જાણકારી ઓએનજીસીએ આપી હતી. 

 
તો બીજી તરફ સુરતના જિલ્લાધિકારી ડો. ધવલ પટેલે કહ્યું હતું કે 'લગભગ 3 વાગે ઓએનજીસી હજીરા પ્લાન્ટમાં સતત ત્રણ બ્લાસ્ટ થયા હતા, જેથી આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. અત્યાર સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી. ઓએનજીસીના અધિકારી ગેસ સિસ્ટમને ડિપ્રેરાઇજિંગ (અંદર બનેલા ગેસના દબાણને બહાર કાઢવાનું) કરવાનું કામ કરી રહ્યા છે. 
 
તમને જણાવી દઇએ કે રાત્રે આગ લાગતાં ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. પ્લાન્ટમાં આગ લાગવાનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં બે જ્ગ્યાએ આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળી રહી છે. વીડિયો નજીકમાં જ પુલ પરથી લેવામાં આવ્યો હતો. 
 
સુરત સ્થિત ઓએનજીસીના પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના પહેલીવાર નથી. આ પહેલાં 2015માં પણ અહીં આગ લાગી હતી. લગભગ 12 લોકો ઘાયલ થયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર