જામનગરમાં મોદી સ્કૂલમાં આગ લાગી, બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવાયા

મંગળવાર, 18 જૂન 2024 (12:58 IST)
fire in modi school
શહેરમાં મોદી સ્કૂલમાં આજે સવારે શિક્ષણ કાર્યરત હતું તે દરમિયાન પ્રિમાઇસીસમાં આવેલી ઇલેક્ટ્રકની પેનલમાં આગ લાગી હતી. શાળાના સ્ટાફની સમયસૂચકતાથી તમામ વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.આગ પર કાબૂ મેળવી લેવાતા શાળા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. સદનસીબે આ આગમાં કોઇ જાનહાનીની ઘટના સામે આવી નથી. તમામ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ સુરક્ષિત હોવાની માહિતી મળી છે. 
 
શાળાના સ્ટાફ દ્વારા જ આ આગને કાબૂમાં લેવામાં આવી
પ્રાપ્ત માહિતી પ્રમાણે જામનગરની મોદી સ્કૂલમાં ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શાળાની બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી હતી. શાળાના સ્ટાફ દ્વારા જ આ આગને કાબૂમાં લેવામાં આવી હતી. સ્ટાફે ફાયર ફાઇટરની ટીમને પણ જાણ કરતા તેઓની ટીમો પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.સ્કૂલના સ્ટાફે જણાવ્યુ હતુ કે, ઇલેક્ટ્રિક પેનલમાં થોડી આગ અને સ્પાર્ક જેવું લાગતા અમે વિદ્યાર્થીઓ અને સ્ટાફને શાળાની બહાર મોકલી દીધા હતા. અમે લોકોએ ફાયરના સાધનોથી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ફાયરની ટીમ આવે તે પહેલા અમે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને બહાર લાવી દીધા હતા.
 
થોડા સમય પહેલા સ્કૂલવાનમાં આગ લાગી હતી
થોડા દિવસ પહેલા જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં બપોરના સમયે એક ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાનમાં આગનો બનાવ બન્યો હતો.સમયસર તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢી લીધા હતા. પાણીનો મારો ચલાવી આગ વિકરાળ બને તે પહેલા જ કાબુમાં લેવાઈ હતી. વિદ્યાર્થીઓ ભરેલી  સ્કૂલવાન (ઇકો કાર) માં બપોરના સમયે વિદ્યાર્થીઓને શાળાએ લઈ જવામાં આવતા હતા. આ દરમિયાન બેડેશ્વર વિસ્તારમાં વજન કાંટા પાસે સીએનજી ગેસ કીટમાં આગ શરૂ થઈ હતી અને સૌ પ્રથમ ધુમાડા દેખાયા હતા. જેથી સ્કૂલ વેનના ચાલકે વેન ઉભી રાખીને તેમાંથી તમામ વિધાર્થીઓને બહાર કાઢી લીધા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર