કેશોદમાં પ્રેમમાં અંધ બનેલા ભાઈએ માસીની દીકરીને ઘરમાં જ છરીના ઘા ઝીંક્યા

શનિવાર, 25 માર્ચ 2023 (17:33 IST)
કેશોદમાં રહેતી યુવતી સાથે તેનાં સગાં માસીના દીકરા કિશન ગિરિ દિનેશ ગિરિને એકતરફી પ્રેમ થઈ ગયો હતો, આથી યુવક તેને લગ્ન કરવા અવારનવાર દબાણ કરતો હતો. બાદમાં ગઈકાલે યુવક યુવતીના ઘરે જઈ લગ્નનું કહ્યું હતું, પરંતુ યુવતીએ ઇનકાર કરતાં તે ઉશ્કેરાયો હતો અને યુવતીને આડેધડ છરીના 18 ઘા ઝીંકી દીધા હતા. બાદમાં ગળેટૂંપો દેવાની પણ કોશિશ કરી હતી.

યુવતીને પહેલા જૂનાગઢ હોસ્પિટલે સારવાર માટે ખસેડાઈ હતી, પરંતુ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહેલી યુવતીએ જણાવ્યું હતું કે હું ઘરે કપડાં ધોતી હતી ત્યારે પાછળથી આવીને મારી સાથે બળજબરી કરીને છરીના ઘા મારવા લાગ્યો હતો. છરીના 18 જેટલા ઘા માર્યા છે.  યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે ત્યાર બાદ તેણે મને છરીના ઘા માર્યા બાદ ગળેટૂંપો દેવાની કોશિશ કરી હતી. અગાઉ પણ મારી સાથે લગ્ન નહીં કરે તો મારીને દાટી દઈશ એવી ધમકી આપી હતી. આવી ધમકી અવારનવાર આપતો હતો તેમજ મારા ફોટોને લઈને બ્લકમેઇલ કરતો હતો.કેશોદમાં યુવતી પર હુમલો કરનાર યુવક સાસણ ગીરનો માસીનો દીકરો હોવાનું બહાર આવ્‍યું છે. કેશોદ શહેરમાં વાયુવેગે સમાચાર પ્રસરી જતાં લોકોનાં ટોળેટોળાં કેશોદ સબ ડિસ્‍ટ્રિક્ટ સિવિલ હોસ્‍પિટલ ખાતે ઊમટી પડ્યા હતાં. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઇ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર