107 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યા બાદ જીવ જવાની શકયતા વધુ રહેલી છે છતાં દર્દીને સારવાર માટે સિમ્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સિમ્સ હોસ્પિટલમાં દર્દીની એન્જીયોપ્લાસ્ટી અને ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ દ્વારા સારવાર કરવામાં આવી હતી.સારવાર મળતા જ વૃદ્ધા અગાઉની જેમ સ્વસ્થ થઈ ગયા છે.ઉંમર વધુ હોવાથી સારવાર કરવી મુશ્કેલ હતી છતાં ડોક્ટરને સફળતા મળી હતી.
મધ્યપ્રદેશના મંસુર જિલ્લામાં રહેતા 107 વર્ષના જમનાબેન(નામ બદલ્યું છે)ને હાર્ટ એટેક આવ્યો હતો.તેમને સારવાર માટે પહેલા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં 2-3 દિવસ તેઓ ICU માં રાખવામાં આવ્યા હતા જે બાદ રજા આપતા ઘરે લઇ જવામાં આવ્યા હતા પરંતુ ઘરે જતા ફરીથી 4-5 દિવસ બાદ તબિયત બગડી હતી.જમનાબેનના દીકરાની ભૂતકાળમાં અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલમાં જ સારવાર કરવામાં આવી હતી જેમાં સફળતા મળી હતી જેથી જમનાબેનને અમદાવાદ સિમ્સ હોસ્પિટલ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
મધ્યપ્રદેશથી 8 કલાક એમ્બ્યુલન્સમાં બેસાડીને જમનાબેનને સિમ્સ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.સિમ્સ હોસ્પિટલમાં ડોકટર કેયુર પરિખ અને તેમની ટીમે તપાસતા જમનાબેનને એન્જીયોગ્રાફીમાં હૃદયની ધમનીઓમાં 99 ટકા બ્લોકેજ જોવા મળ્યું હતું.ખૂબ જ નાજુક તબિયત ધરાવતી જમનાબેનેની સારવાર કરવી થોડી મુશ્કેલ હતી. ડોકટરને કોઈ નાનકડી ભૂલ ન થાય તેની તકેદારી રાખવાની હતી. ડોક્ટરે 15 મિનિટ જેટલા સમયમાં જ એન્જીયોપ્લાસ્ટી અને ઇલ્યુટિંગ સ્ટેન્ટ દ્વારા સારવાર કરી હતી.સારવાર કર્યાના 3 કલાકમાં જ જમનાબેન અગાઉની નેમ સ્વસ્થ થઈ ગયા હતા.જમનાબેન ભાનમાં આવતા ડોકટર પણ ખુશ થયા હતા.આ અંગે સિમ્સ હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ અને ચેરમેન ડૉ કેયુર પરીખે જણાવ્યું હતું કે, પ્રોસીઝર સાયકોલોજીકલી અઘરી હતી. 1 ટકા ભૂલ થાય તો વ્યક્તિના જીવ ત્યાં જ જતો રહે તેમ હતું. અમે ટેવાયેલા છે અને હજારો એન્જીયોપ્લાસ્ટી કરી હતી, જેથી અમે 15 જ મિનિટમાં સારવાર પુરી કરી હતી. હાથની નળી ખૂબ નબળી હતી, છતા અમે એકવાર અંદર પ્રવેશી શક્યા હતા. એક ભૂલથી કેસ બગડે તેમ હતો જેથી અમે ઝીરો એરર સાથે સારવાર પુરી કરી હતી. જમનાબેનના પૌત્ર ચંદ્રશેખર વ્યાસે જણાવ્યું હતું કે, હું પીટર નર્સિંગનો અભ્યાસ કરું છું, જેથી મને હાર્ટ એટેકનો અંદાજ આવી ગયો હતો. અગાઉ અમારા પરિવારના સભ્યની સિમ્સ હોસ્પિટલમાં સારવાર થઈ હતી. જેથી અમે સિમ્સ આવવાનું જ નક્કી કર્યું હતું. દાદીને અહીંયા લાવ્યા ત્યારે અમને આશા હતી કે, દર્દીની સારી સારવાર થશે. આજે દાદી અગાઉની જેમ પાછા ઉભા થયા છે.