ગુજરાતના 207 જળાશયોમાં 93 ટકા જળસંગ્રહ, નર્મદા ડેમમાં ૧૦૦ ટકા જળસંગ્રહ

સોમવાર, 18 સપ્ટેમ્બર 2023 (15:22 IST)
reservoirs of Gujarat
રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં ૧૦૦ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો છે. 
 
સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ની સ્થિતિએ રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં ૩,૩૪,૦૮૦ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૧૦૦ ટકા જેટલો નોધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળ પરિયોજનાઓમાં ૪,૯૮,૩૧૨ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૮૯.૨૯ ટકા જેટલો નોંધાયો છે.
 
રાજ્યભરના કુલ ૨૮ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૧૧૧ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ, ૩૦ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ, ૨૩ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૧૪ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૫.૬૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨.૧૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૫.૮૯ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૯.૫૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૭૮.૭૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૨૭ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૬૩ જળાશયો મળી કુલ ૯૦ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૮ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૦ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર