તારાપુર-વાસદને જોડતાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતાં 6 લેન સ્ટેટ હાઈવેનું લોકાર્પણ કરાશે

બુધવાર, 6 ઑક્ટોબર 2021 (23:19 IST)
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના ઉપક્રમ, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આશરે રૂ. 1005 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે 48 કિલોમીટર લાંબા તારાપુર-વાસદ સિક્સ લેન સ્ટેટ હાઈવેનું નિર્માણ કરાયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા આ સૌથી ટૂંકા સેતુ સમાન રાજ્ય ધોરીમાર્ગનું  માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ગ અને પરિવહન મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કરાશે. અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા આ માર્ગના નિર્માણથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કરોડો નાગરિકોના સમય અને ઈંધણની બચત થશે.
 
સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોની સલામતી જળવાઈ રહે તથા રાજ્યમાં માર્ગ પરિવહનની મોટી સુવિધા ઉભી થાય તે દિશામાં આ માર્ગ અત્યંત મહત્વનો બની રહેશે. 48 કિલોમીટરના 6 લેન હાઈવેમાં 18 કિલોમીટર ફ્લાય ઓવર અને ૩૮ કિલોમીટરના સર્વિસ રોડનો સમાવેશ થાય છે.
 
અગાઉ તારાપુરથી વાસદ જવામાં આશરે બે કલાક થતાં હતાં જ્યારે હવે માત્ર ૩૫ જ મિનિટમાં પહોંચી જવાય છે. આ નવિનિર્મિત રોડ પર ત્રણ રેલવે ઓવરબ્રિજ, ૯ નાના પુલો , ૮૮ નાળા તથા કેનાલ ક્રોસિંગ સ્ટ્રક્ચર, સ્થાનિક નાગરિકોની અવરજવર માટે 24 અંડરપાસ અને બોરસદ નગરના બાયપાસનું બાંધકામ કરાયું છે.
 
આ માર્ગ પર  સ્થાનિક વિસ્તારના નાગરિકોની અવરજવર માટે 38 કિ.મી.સુધી બંને બાજુએ સર્વિસ રોડનું નિર્માણ કરાયું છે. ૧૨૦૦ આશરે જેટલા સ્ટ્રીટલાઇટના થાંભલા દ્વારા હાઈવે લાઈટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જેને કારણે રાત્રિના સમયે અકસ્માતોનું પ્રમાણ ઘટશે. આ રસ્તા પર 38 બસ સ્ટેન્ડ, 4 જગ્યાએ શૌચાલયની સુવિધા સાથેના ટ્રક લે બે, હાઈ ટેક કેમેરા સાથેની સર્વેલન્સ સિસ્ટમ, સ્પીડ પ્રદર્શન સિસ્ટમ અને આધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી વાહનચાલકો માટે સલામતીની અદ્યતન સુવિધા ઉપલબ્ધ બનશે.
 
બોચાસણ ખાતે કુલ 12 લેનવાળઆ અત્યાધુનિક ટોલ પ્લાઝા તૈયાર કરાયું છે, જેમાં એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગ વેહિકલ, ક્રેન, ટ્રાફિક તેમજ મેડિકલ એડ પોસ્ટ, સ્વચ્છ શૌચાલય તેમજ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરાઈ છે. ગુજરાતના આ રાજ્ય ધોરીમાર્ગમાં 1.30 લાખ ચો.મી. રી ઇન્ફોર્સ્ડ અર્થ વોલનું બાંધકામ કરાયું છે.
 
આ સ્ટેટ હાઈવેના નિર્માણમાં પર્યાવરણ સંરક્ષણનું પણ ધ્યાન રખાયું છે. 2010થી ખોરંભે પડેલા માર્ગ ના ટેન્ડરનું રિ-ટેન્ડર કરી કોરોનાની મહામારીમાં પણ તેને સમયસર પૂરો કરી અને ગુણવત્તા સર રાજ્યના નવા બનતા હાઇવે માટે પ્રેરણા સ્વરૂપ બન્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર