49 વર્ષ પહેલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, 26 વર્ષની ઉંમરે હત્યા કરનારો આરોપી 73 વર્ષની ઉંમરે પકડાયો

વૃષિકા ભાવસાર

બુધવાર, 7 ડિસેમ્બર 2022 (18:49 IST)
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં 49 વર્ષ પહેલાં 26 વર્ષના યુવાને એક સિનિયર સિટિઝન એવા વૃદ્ધાની હત્યા કરી હતી. ત્યાર બાદ તેના ઘરમાંથી વાસણો ચોરીને ભાગી ગયો હતો. એ પછી તેણે ઘણી નાની-મોટી ચોરી કરી, પણ પોલીસના હાથે ના ચડ્યો, પરંતુ આ વખતે વિધાનસભા 2022ની ચૂંટણી વખતે 49 વર્ષ પહેલાં થયેલી હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ થઈ છે. 26 વર્ષે હત્યા કરનાર આરોપી અત્યારે 76 વર્ષનો થઈ ગયો છે.

આ સમગ્ર મામલે હાલ તો પોલીસે આરોપી પાસે 49 વર્ષના હિસાબકિતાબ શોધવાનો શરૂઆત કરી છે.કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે એવી ઘટના અમદાવાદ શહેરમાં બની છે. અમદાવાદ પોલીસે મહારાષ્ટ્રથી એક આરોપી સીતારામની ધરપકડ કરી છે. આરોપી વોન્ટેડ હતો, જેને શોધવા માટે અમદાવાદ પોલીસ મહારાષ્ટ્ર ગઈ હતી. આરોપી એકાદ વર્ષ નહીં, પણ 49 વર્ષથી વોન્ટેડ હતો અને અત્યારસુધી આરોપી ન પકડાઈ શકવા પાછળ પણ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે, પરંતુ હાલ આરોપી વિધાનસભા 2022ની ચૂંટણીને કારણે ઝડપાયો છે એવું કહીએ તો નવાઈ નહીં, કારણ કે આ વખતે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ કડક સૂચના આપી હતી કે કોઈપણ વોન્ટેડ આરોપી ગમે તેટલો જૂનો હોય, તેને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે.અમદાવાદના ઝોન-4 ડીસીપી કાનન દેસાઈની મહેનતને કારણે 49 વર્ષ જૂના સિનિયર સિટિઝન મહિલાની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

આ સમગ્ર મામલે એક પછી એક જે વાતો સામે આવી એ જાણીને પોલીસ પણ અચંબામાં પડી ગઈ, કારણ કે જે વખતે હત્યા થઈ ત્યારે આરોપી 26 વર્ષનો હતો અને હાલ આરોપી 73 વર્ષનો છે. આટલાં વર્ષ સુધી આરોપી કેમ ન પકડાયો એ પણ ખૂબ મોટો પ્રશ્ન હતો.1973ના સપ્ટેમ્બરમાં 49 વર્ષ પહેલાં અમદાવાદની પણ શિકલ કંઈક અલગ હતી. અમદાવાદના સેજપુર વિસ્તારમાં આવેલા ફદેલી પાસે 70 વર્ષનાં મણિબેન શુક્લા રહેતાં હતાં. જેમના ઉપરના માળે તેમણે ત્રણ યુવકને મકાન ભાડે આપ્યું હતું. આ યુવકોમાં મહાદેવ, નારાયણ અને સીતારામ તાતિયા બધાનો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવકો નાનું-મોટું કામ કરીને જીવન જીવતા હતા. એમાં સીતારામ ચોરી કરવાની આદતવાળો હતો.14 સપ્ટેમ્બર 1973ના દિવસે સીતારામ અન્ય દિવસોની જેમ કામકાજ કરવાનો પ્રયાસ કરતો હતો, પણ કોઈ કામ ન મળતાં હવે તેને ચોરી કરવાનું નક્કી કર્યું, એ દિવસે તે બપોરના પોણાત્રણ વાગ્યે મણિબેનના ઘરમાં ઘૂસ્યો અને ઘરમાંથી વાસણો અને કપડાં ચોરવાનો પ્રયાસ કરતો હતો. મણિબેન જાગી ગયાં એટલે સીતારામે તેમના પર હુમલો કર્યો અને એ સમયે તેઓ બેભાન થઈ ગયાં હતાં અને નીચે પડી ગયાં હતાં, એટલે સીતારામ ઘરમાંથી વસ્તુઓ ચોરીને ભાગી ગયો હતો. બીજા દિવસથી આ ઘરમાં કોઈ હલચલ દેખાતી ન હતી. બે દિવસ બાદ આસપાસના લોકોએ ઘરમાંથી દુર્ગંધ મારતી હોવાની કમ્પ્લેન કરતાં સ્થાનિક પોલીસ મણિબેનના ઘરમાં પહોંચી હતી. ઘરમાંથી મણિબેન મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. ત્યાર બાદ ઉપરના માળે રહેતા ત્રણેય લોકો મળ્યા નહિ. એમાં છેલ્લે સીતારામ ઘરમાંથી બહાર નીકળ્યો હોવાની વિગતો જાણવા મળી હતી. એ સંદર્ભે પોલીસે એ સમયે ચોરી અને હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આ ફરિયાદ નોંધાયાને આજે 49 વર્ષ પૂરા થયાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર