દેશભરમાં ૪૬૧ જેમાં ગુજરાતમાંથી ૨૦૯ ટ્રેનો દોડી: ગુજરાતનો ૪૫ ટકા હિસ્સો

મંગળવાર, 12 મે 2020 (11:53 IST)
ગુજરાતના વિકાસમાં પરપ્રાંતિય શ્રમિકો-મજૂરોનો સિંહફાળો રહ્યો છે ત્યારે આ લૉકડાઉનના સમયમાં શ્રમિકો તેમના પરિવારજનોને મળી શકે એ માટે તેમને માદરેવતન પહોંચાડવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને ચોક્કસ દિશા નિર્દેશો આપ્યા છે. પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે ખાસ શ્રમિક ટ્રેનો રાજ્યમાંથી દોડાવીને શ્રમિકોને વહારે થઈ છે. રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં ૨૦૯ ટ્રેનો દોડાવીને અંદાજે ૫.૫૦ લાખથી વધુ શ્રમિકોને તેમના વતન રવાના કરવામાં આવ્યા છે.
 
અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું કે શ્રમિકો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું ભગીરથ કાર્ય અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતેથી સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહ્યું છે. યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શ્રમિક-મજૂરોને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને ઓરિસ્સા ખાતે મોકલવામાં આવી રહ્યા છે. તારીખ ૮મી મે સુધીમાં દેશભરમાંથી ૪૬૧ ટ્રેનો દોડી હતી તે પૈકી ગુજરાતમાંથી ૨૦૯ ટ્રેન દોડાવાઈ છે. જે દેશના કુલ હિસ્સાના ૪૫ ટકા જેટલો થાય છે. અન્ય રાજ્યમાં જોઈએ તો મહારાષ્ટ્રમાં ૬૧ ટ્રેનો (૧૩ ટકા), તેલંગાણામાં ૨૭ ટ્રેન (૬ ટકા), પંજાબમાં ૪૯ ટ્રેન (૧૧ ટકા)   અને ગુજરાતમાં ૨૦૯ ટ્રેન થકી ૪૫ ટકા થાય છે.
 
મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરોને તાકીદ કરી છે કે, લૉકડાઉનની સ્થિતિમાં જે શ્રમિકો તેમના વતન જવા માગે છે તેવા એક પણ શ્રમિક બાકી ન રહે તે માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવી એટલે શ્રમિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમામ તંત્ર ખડે પગે તેમની સેવામાં પૂરતી સંવેદનાથી કામ કરી રહ્યું છે અને પૂરતી વ્યવસ્થા ગોઠવી છે ત્યારે એમનો પણ સહયોગ અનિવાર્ય છે.
 
તેમણે કહ્યું કે ગુજરાતમાંથી જે ૨૦૯ ટ્રેનો દોડી છે તેમાં ઉત્તર પ્રદેશ માટે ૧૪૭, બિહાર માટે ૨૩, ઓરિસ્સા માટે ૨૧, મધ્યપ્રદેશ માટે ૧૧ ઝારખંડ માટે ૬ અને છત્તીસગઢ માટે એક ટ્રેનનો સમાવેશ થાય છે. આ ટ્રેનોમાં અમદાવાદથી ૫૦ ટ્રેન, સુરતથી ૭૨ ટ્રેન, વડોદરાથી ૧૬ ટ્રેન, રાજકોટમાંથી ૧૦ ટ્રેન મોરબીમાંથી ૧૨ ટ્રેન પાલનપુરથી ૬ ટ્રેન, નડિયાદ-જામનગરથી ૫-૫ ટ્રેન, આણંદ અને ગોધરાથી ૪-૪ ટ્રેન, ભાવનગર, જૂનાગઢ, નવસારી, વાપીથી ૩-૩ ટ્રેન અને અન્ય જિલ્લાઓમાંથી એક-બે ટ્રેનો દોડાવવામાં આવી છે. અને ૨.૫૬ લાખ જેટલા શ્રમિક-મજૂરોને વતન પહોંચાડાયા છે.

સોમવારે વધારાની 30 ટ્રેનો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા, અંકલેશ્વર, ગાંધીધામ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢથી રવાના થઇ હતી. એટલે કે મધ્યરાત્રી સુધીમાં કુલ ૨૩૯ ટ્રેનો મારફત ૨.૯૪ લાખ લોકો વતન પહોંચશે. બીજી મેથી શરૂ કરાયેલ આ વ્યવસ્થાથી અંદાજે છ લાખ જેટલા પરપ્રાંતીઓને તેમના વતનમાં મોકલી દેવાયા છે. હા પરપ્રાંતીયોના મોઢા પર આનંદ અને ખુશીનો અદભુત ભાવ જોવા મળી રહ્યો છે. લૉકડાઉન દરમિયાન કેન્દ્રના રેલ મંત્રાલય દ્વારા કરાયેલ આ અલાયદી વ્યવસ્થામાં રેલવે વિભાગ દ્વારા શ્રમિકો માટે પીવાના પાણી અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર