રાજ્યમાં કોન્ગો ફીવર લઇને તંત્ર થયું એલર્ટ, ભારતમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં ૨૦૧૧માં જોવા મળ્યો હતો આ રોગ

રીઝનલ ડેસ્ક

મંગળવાર, 27 ઑગસ્ટ 2019 (09:06 IST)
ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવર સામે રાજ્યનું આરોગ્ય તંત્ર સજજ રાજ્યમાં સુરેન્દ્રનગર લીમડી તાલુકાના ઝામડી બોરણા ગામના એક વૃદ્ધાને ગત અઠવાડિયે ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરના લક્ષણો જણાતા તેઓને સી.યુ. શાહ મેડીકલ કોલેજ સુરેન્દ્રનગર અને ત્યારબાદ એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીના લોહીના નમૂના લઇને એન. આઈ. વી. પુના ખાતે મોકલતા તેનો ક્ર્મિયન કોન્ગો હેમરેજીક ફીવરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ દર્દીનું એસ.વી.પી. હોસ્પિટલમાં  સારવાર દરમ્યાન મૃત્યુ થયુ છે. રાજ્યમાં આ રોગ પ્રસરે નહીં તે માટે તંત્ર સુસજ્જ છે અને પ્રોએક્ટીવ કામગીરી દ્વારા સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. 
 
આરોગ્ય કમિશ્નર ડૉ. રવિએ આ રોગ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે આ રોગ પશુપાલન સાથે સંકળાયેલ વ્યક્તિઓમાં થવાની શક્યતા વધારે રહેલી હોય છે. વધુમાં કહ્યું હતું  કે આરોગ્ય વિભાગના અધિકારીઓને આ દર્દીની માહિતી મળતાજ ગામમાં આરોગ્ય વિભાગ તથા પશુપાલન વિભાગ દ્વારા સર્વેલન્સ તેમજ રોગ અટકાયતી કામગીરી શરુ કરી દેવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતો આપતા તેમણે ઉમેર્યુ કે ઝામડી બોરણા ગામની ૭૦૦થી વધુ વસ્તીનું દૈનિક ધોરણે સર્વેલન્સ કરી આ દર્દીના ૨૧ ક્લોઝ કોન્ટેક્ટને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. 
 
ગામમાં જ આરોગ્ય વિભાગ દ્વારા ઓ.પી.ડી.શરુ કરી દેવામાં આવ્યા છે. ગામના ૫૦૦ જેટલા પશુઓનું સર્વેલન્સ કરી તેમના પર ઇતરડીનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ છે તેમજ આજુબાજુના ઘરોમાં સ્પ્રેઈગની કામગીરી કરવામાં આવી છે. રાજ્ય કક્ષાએથી સીનીયર અધિકારી દ્વારા તેમજ મેડીકલ કોલેજની રેપીડ રીસ્પોન્સ ટીમ દ્વારા મુલાકાત લઇને જનજાગૃતિ માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યુ કે આ રોગ એ પશુઓમાં જોવા મળતી ઇતરડી કરડવાને કારણે થાય છે. તે માટે જનજાગૃતિ પણ કેળવવામાં આવી છે. પશુપાલન વિભાગ દ્વારા ૫૨૮ પશુઓ પર કીટકનાશકો એન્ટીટીકસ એક્ટીવીટી પૂર્ણ કરી દેવાઇ છે. તેમજ ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી પૂર્ણ કરાઇ છે. ગામમાંથી ૯ પશુઓના શીરમ તથા ૯ ઇતરડીના સેમ્પલ પણ તપાસ માટે મોકલી અપાયા છે. 
 
ડૉ. રવિએ ઉમેર્યુ કે સી.સી.એચ.એફ. રોગે ઇતરડીના કરડવાથી ફેલાતો વાયરસ જન્ય રોગ છે. જેમાં તાવ સાથે ગંભીર રક્તસ્ત્રાવ પણ થાય છે. રોગના પરિણામે મૃત્યુ દર ૧૦ થી ૪૦ ટકા જેટલો જોવા મળે છે. આ રોગ મુખ્યત્વે આફ્રિકા બાલકન્સ, મધ્ય પૂર્વ ઝોન અને એશિયાના દેશોમાં જોવા મળે છે. ભારતમાં સૌ પ્રથમ વાર ગુજરાતમાં ૨૦૧૧માં આ રોગ જોવા મળ્યો હતો. આ રોગના વાયરસ ઘેટા, ઢોર અને બકરા જેવા સ્થાનિક પ્રાણીઓમાં જોવા મળે છે. પરંતુ પ્રાણીઓમાં આ રોગના લક્ષણો જોવા મળતા નથી.આ રોગના વાયરસનો મનુષ્યમાં ફેલાવો ટીકના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પાણીના રક્ત કે પેશીઓના સંપર્કમાં આવવાથી મોટાભાગના પશુધન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જેવા કે ખેડૂત કતલખાનામાં કામ કરતા અને પશુચિકિત્સકોને રોગ લાગવાનો ભય હોય છે.
 
તેમણે ઉમેર્યુ કે વ્યક્તિ થી વ્યક્તિના લોહી, સ્ત્રાવ અંગોઅથવા શારિરીક પ્રવાહીના ગાઢ સંપર્કમાં આવવાથી થાય છે. હોસ્પિટલમાં આ ચેપ લાગવાના કારણોમાં તબીબી સાધનોનું આરોગ્ય સ્ટરીલાઇઝૈશન, નીડલ અને દૂષિત તબીબી સાધનોના પુનઃવપરાશના લીધે થતો હોય છે. આ રોગના ઇન્ક્યુરેશન પીરીયડ સામાન્ય રીતે ૩થી ૧૪ દિવસનો હોય છે. જેમાં તાવ, સ્નાયુનો દુખાવો, ચક્કર ગરદનમાં દુખાવો અને જડતા પીઠ માથાનો દુખાવો, લાલ આંખો અને ફોટોફોબિયાનો સમાવેશ થાય છે.  શરૂઆતમાં ઉબકા-ઉલટી, ઝાડા, પેટનો દુખાવો, અને ગળામાં દુખાવો જોવા મળે છે.
 
ત્યારબાદ મુંઝવણ થયા બાદ બે ચાર દિવસ પછી ડિપ્રેશન, અનિંદ્રા અને શિથિલતા જોવા મળે છે. અન્ય ચિન્હોમાં હૃદયના ધબકારા ઝડપી થઇ જવા. લસીક ગાંઠો પેટીચીઅલરેશ આંતરીક મ્યુકોસલ સપાટી આ પેટીચી અલરેશમાંથી રક્તસ્ત્રાવ થઇ શકે છે. આ રોગના નિયંત્રણ- સારવાર માટે કેપ.રીબાવિરીન (એન્ટીવાયરલ) રોગમાં અસરકારક છે. સિમ્પ્ટોમેટિક સારવાર તથા જનરલ સહાયક સંભાળ સીસી.એચએફના દર્દીના મેનેજમેન્ટ માટેનો મુખ્ય અભિગમ છે.
 
રાજ્યમાં વાહકજન્ય અને પાણીજન્ય રોગોની વિગતો આપતાં ડૉ. જયંતિ રવિએ ઉમેર્યુ કે, હાલમાં રાજ્યમાં પાણીજન્ય રોગોમાં ઘટાડો નોંધાયેલ છે. વાહક જન્ય રોગોના અટકાવ માટે રાજ્યના તમામ જીલ્લાઓમાં નાયબ મુખ્યમંત્રીના સુચન બાદ પાણીના સંગ્રહ સ્થાનોમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ નાખવાની પ્રવૃત્તિ ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે. રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં રોગચાળા અંગેની તમામ દવાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ચોમાસાની ઋતુમાં રોગચાળો ફેલાય નહિ તે માટે કમિશ્નરશ્રી આરોગ્યએ રાજ્યની તમામ જનતાને સ્વચ્છતા જાળવવા, ખુલ્લો અને દુષિત ખોરાક ન આરોગવા તેમજ સરકારને આ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર