ગોધરામાં ગુલિયન બેરી સિન્ડ્રમના 10 કેસ, શંકાસ્પદ લક્ષણ ધરાવતાં 3ના મોતથી ફફડાટ

બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (08:35 IST)
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં જીબીએસ ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS) નામના જીવલેણ રોગના 10 કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગોધરા શહેરમાં કોરોના કેસો માંડ ઓછા થયા હતા ત્યાં જીબીએસ નામના જીવલેણ રોગે દેખા દીધી છે.

તેમજ આ રોગના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં ત્રણ વ્યક્તિઓના મોત થયા હોવાની પણ વિગતો સામે આવતા શહેરીજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા સાપા રોડ, વાગડિયા વાસ, દયાનંદ નગર અને સતકેવલ સોસાયટી વિસ્તારોમાંથી આ રોગના લક્ષણો ધરાવતા 10 ઉપરાંત કેસો મળી આવ્યા છે જે તમામ દર્દીઓ વડોદરા ખાતે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે આ રોગના લક્ષણો ધરાવતાં ત્રણ દર્દીઓના શંકાસ્પદ મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં બે બાળકોને એક મહિલાનો સમાવેશ થાય છે. મૃતક મહિલા પૂનમ મછાર છે જેની ઉંમર 23 વર્ષ છે.ગોધરા શહેરમાં જીબીએસ રોગના દર્દીઓ મળી આવતા શહેરીજનોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં અલગ અલગ છ ટીમો બનાવીને સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં આ વિસ્તારમાં આવેલા રહેણાક મકાનોમાં રહેતા અને આ રોગના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં દર્દીઓના સેમ્પલ મેળવીને અમદાવાદ ખાતે મોકલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર